Mon Apr 20 2026

Logo

અટલ સેતુ ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતનો આરોપ: અનિલ પરબનો MMRDA પર પ્રહાર

2026-04-19 20:48:40
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. શિવસેના (ઠાકરે) નેતા અને ધારાસભ્ય એડવોકેટ અનિલ પરબે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે મિલીભગત થઈ રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કારણે એમએમઆરડીએને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ધારાસભ્ય પરબે મહાનગર કમિશનર સંજય મુખર્જીને પત્ર લખીને કેટલાક ચોક્કસ ટેન્ડરો બાબતે તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી હતી. પરબે નોંધ્યું હતું કે અટલ સેતુ પર ફાઈબર ઓપ્ટિક કેબલ નાખવાનું ટેન્ડર, બીકેસી-ચુનાભટ્ટી કનેક્ટર અને વિક્રોલીમાં ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) જેવા પ્રોજેક્ટ્સના ટેન્ડરોમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે. 


અંદાજે ૯૦ કરોડ રૂપિયાના વિક્રોલી ફૂટ ઓવર બ્રિજ ટેન્ડર બાબતે ધારાસભ્ય પરબે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ ટેન્ડર બંધ થયાને બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. 

શરૂઆતમાં ૮ બિડર સહભાગી હતા, પરંતુ દબાણ લાવીને ૬ લોકોને પીછેહઠ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. હવે માત્ર ૨ બિડર્સ જ બાકી રહ્યા છે અને એમએમઆરડીએ આ ટેન્ડર એમએસ સ્પેકૉ નામની કંપનીને આપવાની તૈયારી કરી રહ્યું હોવાનું ધારાસભ્ય પરબે જણાવ્યું હતું. 

તેથી, આ પૃષ્ઠભૂમિમાં આ ટેન્ડર દરેકની હાજરીમાં પારદર્શક રીતે ખોલવામાં આવે અથવા તેને રદ કરીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. સાથે જ, પીછેહઠ કરનારી કંપનીઓને બ્લેકલિસ્ટ કરીને તેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેવી માંગ પણ ધારાસભ્ય પરબે કરી હતી.