Sat Apr 25 2026

Logo

માનખુર્દમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ: એક જખમી

2026-04-24 21:08:29
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ:
માનખુર્દના મંડાલામાં આવેલા પાંચથી છ ગોડાઉનમાં શુક્રવારે વહેલી સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક યુવક ગંભીર રીતે જખમી થયો હતો.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર એકતા નગરમાં ભંગારની દુકાનો આવેલી છે. શુક્રવારે વહેલી સવારના પાંચ વાગ્યાની આસપાસ કુર્લા સ્ક્રેપ ડીલર નામની દુકાનમાં વહેલી સવારના આગ ફાટી નીકળી હતી. ૫૦૦ બાય ૫૦૦ના વિસ્તારમાં આવેલા પાંચથી છ ગાળામાં આગ ફેલાઈ ગઈ હતી. ભંગારની દુકાનમાં રહેલા પાંચથી છ એલપીજી સિલિન્ડર, તારપોલીન શીટ, ૫૦થી ૬૦ ઓઈલના ડ્રમ, પ્લાયવુડ, એસી શીટ અને સ્ટીલ શીટ સહિત મોટા પ્રમાણમાં ભંગારનો સામાન પડ્યો હતો.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડને પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભંગારની દુકાનમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા ડ્રમ હતા અને સાથે જ સિલિન્ડર પણ હતા. તેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના ૮.૪૦ વાગે આગને બુઝાવવામાં સફળતા મળી હતી પણ મોડે સુધી કુલિંગ ઓપરેશન ચાલ્યું હતું. આગમાં ૨૫ વર્ષનો શાહરૂખ ખાન નામનો યુવક ૪૦થી ૪૫ ટકા દાઝી ગયો હતો. તેને સાયન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.