નવી દિલ્હીઃ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ કરાવ્યા બાદ બે-ત્રણ વર્ષમાં જ આર્થિક ગેરરીતિના આરોપોને પગલે લંડનમાં જઈને વસી ગયેલા આ લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી (Lalit Modi) લગભગ દરેક સીઝનમાં આ ટૂર્નામેન્ટ જેવી શરૂ થાય એટલે કોઈને કોઈ મુદ્દો ઊભો કરીને ચર્ચામાં રહેતા હોય છે અને આ વખતે તેમણે આક્ષેપ કર્યો છે કે 2021ની સીઝનમાં કેટલીક ટીમોએ જીતવા માટે કાળા જાદુનો ઉપયોગ કર્યો હતો. બીજી રીતે કહીએ તો લગભગ દરેક આઇપીએલની મધ્યમાં લલિત મોદી કોઈને કોઈ ચર્ચાસ્પદ મુદ્દા સાથે સક્રિય થઈ જતા હોય છે.
2021ની આઈપીએલની પાછળની મૅચો યુએઈમાં રમાઈ હતી. 15મી ઑક્ટોબરના દિવસે દુબઈની ફાઇનલમાં ચેન્નઈએ કોલકાતાને 27 રનથી હરાવીને ચોથું ટાઈટલ જીતી લીધું હતું.
લલિત મોદીનું કહેવું છે કે પાંચ વર્ષ પહેલાંની આઇપીએલ-સીઝનમાં અમુક ટીમોએ હરીફ ટીમના ડ્રેસિંગ-રૂમમાં જઈને એ ટીમો પર હાવી થવા માટે કાળા જાદુ (BLACK MAGIC)નો ઉપયોગ કર્યો હતો. લલિત મોદીનું એવું પણ કહેવું છે કે આ ઘટનાઓના નક્કર પુરાવા તેમની પાસે છે અને તેમણે એ ટીમોને આવા કૃત્યોથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી.
તેમનું એવું કહેવું છે કે `બ્લૅક મૅજિકનો ઉપયોગ બૅટ્સમેનોને જલદી આઉટ કરાવવા માટે અને બોલર્સની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરાવવા વિશેનો હતો.'
લલિત મોદીનો આ આક્ષેપ સાચો હોવા વિશે સંશય થાય છે, પરંતુ તેઓ ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં તેઓ આ હરકતો પરથી વેબ સિરીઝ મારફત અથવા એક ફિલ્મમાં પડદો ઉઠાવશે.
જોકે સોશ્યલ મીડિયામાં લલિત મોદીના આ આક્ષેપોની મજાક થઈ રહી છે. કેટલાક કહે છે કે જો ખરેખર આઇપીએલની કોઈ ટીમ દ્વારા કાળા જાદુ જેવું કંઈ થયું હોત તો રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) છેક 18મા વર્ષે (2025માં) પહેલી વખત ટાઇટલ ન જીત્યું હોત. કેટલાક લોકો લલિત મોદીના આક્ષેપોને માર્કેટિંગ સ્ટંટ ગણાવે છે.