અમેરિકા-ચીન વચ્ચે એકબીજા પરની ટૅરિફ ઘટાડવા સંમતિ સધાઇ
વૉશિંગ્ટન: દુનિયાને મહાસંકટમાં હોમનારી મહાસત્તાઓ એક મંચ પર આવ્યા પછી મહાન અને એક થવાના દાવા કરે પણ એના પછીનું ચિત્ર કઈક અલગ જ હોય છે. અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વાઇટ હાઉસ પહોંચેલા ચીનના પ્રમુખ શી જિનપિંગે એવી સ્પષ્ટતા કરી હતી કે, જો બંને દેશ ટકરાશે તો બંને પટકાશે. બીજી તરફ, ટ્રમ્પે જિનપિંગને સાચ્ચા દોસ્ત ગણાવ્યા હતા. ટ્રમ્પે વાઇટ હાઉસમાં જિનપિંગને આવકારતા કહ્યું હતું કે, પ્રથમ વિશ્ર્વયુદ્ધ જીતવા માટે જે રીતે અમારા બંને દેશે સાથે કામ કર્યું હતું, એ જ રીતે હું અને પ્રમુખ શી સાથે મળીને બંને દેશ માટે સારા ભવિષ્યનું નિર્માણ કરીશું. હું 2016માં પહેલી વાર ચૂંટાયો ત્યારથી પરસ્પર સન્માન અને અમારી પ્રજાના મહત્ત્વનાં હિતોના આધાર પર અમારી બંને વચ્ચે સાચ્ચી દોસ્તી બંધાઈ છે.
ટ્રમ્પ અને જિનપિંગના વાઇટ હાઉસના કાર્યક્રમનું એક પણ મોટા અમેરિકી ટીવી નેટવર્કે જીવંત પ્રસારણ નહોતું દેખાડ્યું. જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, બંને દેશે શાંતિમાં સહઅસ્તિત્વ જાળવવું જોઈએ. મેં વારંવાર કહ્યું છે કે ચીન અને અમરિકા બે મોટા દેશ છે જેમને સહકારમાં ફાયદો છે પણ જો ટકરાશે તો બંને પટકાશે. અમારી વચ્ચે સ્વસ્થ સ્પર્ધા હોવી જોઈએ...એકમેકને પકડી પાડવાની રૅસ હોવી જોઈએ, દંગલ નહીં.
જિનપિંગે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકાએ એકબીજાના હરીફ નહીં, પરંતુ ભાગીદાર બનવું જોઇએ. મને વિશ્વાસ છે કે બન્ને દેશ સહકાર વધારવા નવા યુગમાં કોઇ વધુ સારો માર્ગ શોધી કાઢશે.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલનિયા ટ્રમ્પે શી અને તેમના પત્ની પેંગ લિયુઆનને બુધવારે મેરિલૅન્ડમાંના જોઇન્ટ બૅઝ એન્ડ્રુસ ખાતે આવકાર્યાં હતાં અને વિમાનથી છેક તેમની કાર સુધી લાલ જાજમ પાથરીને તેમનું સ્વાગત કરાયું હતું.
અમેરિકન એરફોર્સના બેન્ડે મ્યુઝિક વગાડ્યું
ટ્રમ્પે શીને વિમાનમથકે આવકાર્યા ત્યારે અમેરિકાના હવાઇદળના બૅન્ડે સંગીત વગાડ્યું હતું અને અમેરિકા તેમ જ ચીનના ધ્વજ ફરકાવાયા હતા. શીએ અગાઉથી લખાયેલા પ્રવચનને વૉશિંગ્ટન ખાતે આગમનના સમયે વાંચતા જણાવ્યું હતું કે હું ચીનની જનતા વતી અમેરિકાના લોકોને શુભેચ્છા પાઠવું છું. ચીન અને અમેરિકા, બન્ને મહાન રાષ્ટ્ર છે અને તેઓના નાગરિકો પણ મહાન છે. બન્ને દેશ ઘણાં લાંબા સમયથી મૈત્રીભર્યા સંબંધ ધરાવે છે અને તેઓનાં હિત પણ એકબીજા સાથે જોડાયેલાં છે. બન્ને દેશ ફરી એકબીજાની સાથે સહકાર સાધીને વધુ સારો વિકાસ કરી શકશે અને તે આખા વિશ્ર્વ માટે લાભદાયક સાબિત થશે.
જિનપિંગ 2015 પછી સૌપ્રથમ વખત વૉશિંગ્ટન આવ્યા
શી જિનપિંગ 2015 પછી સૌપ્રથમ વખત વૉશિંગ્ટન આવ્યા છે. ટ્રમ્પ અને શી વચ્ચેની દ્વિપક્ષી મંત્રણામાં પશ્ચિમ એશિયાની લડાઇ, રશિયા - યુક્રેન યુદ્ધ, અવકાશમાં શસ્ત્રોની સ્પર્ધા, અમેરિકા દ્વારા તાઇવાનને વેચવામાં આવતાં શસ્ત્રો જેવા મુદ્દે ચર્ચાવિચારણા થવાની આશા રખાય છે.
શીએ જણાવ્યું હતું કે હું અને ટ્રમ્પ ગયા મેમાં દ્વિપક્ષી વ્યૂહાત્મક સ્થિર સંબંધ વધુ દૃઢ બનાવવા માટે સહમત થયા હતા. અમેરિકાના પ્રમુખે 1962 બાદ આ સૌપ્રથમ વખત કોઇ વિદેશી નેતાને વિમાનમથકે જાતે આવકાર આપ્યો હતો.
1962માં કેનેડીએ બ્રિટનના પીએમને આવકાર્યા હતા
અગાઉ, 1962માં તે વખતના અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ બ્રિટિશ વડા પ્રધાન હેરોલ્ડ મેકમિલનને વિમાનમથકે જાતે જઇને આવકાર્યા હતા.
બીજી તરફ, ચીનના વાણિજ્ય મંત્રાલયે ચીન અને અમેરિકાએ ન્યૂ યોર્કમાં યોજાયેલી દ્વિપક્ષી બેઠકમાં એકબીજા પરની ટૅરિફ ઘટાડવા સહિતના અનેક આર્થિક અને વેપારને લગતા દ્વિપક્ષી મુદ્દે સર્વસંમતિ સાધી હોવાનો દાવો કર્યો હતો.
AI અંગે પહેલી વાર કરી ચર્ચાવિચારણા
બન્ને દેશના પ્રતિનિધિમંડળે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અંગે સૌપ્રથમ વખત ચર્ચાવિચારણા કરી હતી.
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા હે યાડોંગે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે બન્ને દેશના પ્રતિનિધિમંડળે તાજેતરમાં ન્યૂ યોર્ક ખાતે સલાહમસલતનો આઠમો તબક્કો યોજ્યો હતો અને તે દરમિયાન અનેક આર્થિક અને વેપારને લગતા દ્વિપક્ષી મુદ્દે સર્વસંમતિ સાધવામાં સફળતા મળી હતી.
બન્ને દેશના પ્રતિનિધિમંડળે વિવિધ મુદ્દે કરી ચર્ચા
ચીનના નાયબ વડા પ્રધાન હે લિફેંગ, અમેરિકાના નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે રવિવારે ન્યૂ યોર્કમાં યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષી બેઠકની પહેલાં બન્ને દેશના પ્રતિનિધિમંડળે વિવિધ મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી તેમ જ સંમતિ સાધી હતી.
વેપારને લગતા વિવિધ મુદ્દે સર્વસંમતિ સાધી
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ન્યૂ યોર્કમાં બન્ને દેશના પ્રતિનિધિમંડળ વચ્ચેની મંત્રણા ઉષ્માભર્યા વાતાવરણમાં યોજાઇ હતી. તેઓએ એકબીજા પરની ટૅરિફમાંના ઘટાડા સહિતના આર્થિક અને વેપારને લગતા વિવિધ મુદ્દે સર્વસંમતિ સાધી હતી.
ચીન અને અમેરિકાએ દ્વિપક્ષી વેપાર અને રોકાણ વધારવા માટે સહકાર સાધવા ટ્રેડ કાઉન્સિલ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ રચવાનો પણ નિર્ણય લીધો હતો. (એજન્સી)