અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દહીં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ આ ગરમીમાં દહીંને લાંબો સમય તાજું રાખવું એ એક પડકાર છે. ઘણીવાર રાત્રે જમાવેલું દહીં સવાર સુધીમાં એટલું ખાટું થઈ જાય છે કે તેને ખાવું મુશ્કેલ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આયુર્વેદિક અને પ્રેક્ટિકલ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
દહીંનું ખાટું થવું એ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં બેક્ટેરિયા લેક્ટોઝને લેક્ટિક એસિડમાં ફેરવે છે. ગરમીમાં આ પ્રક્રિયા ઝડપી બને છે, તેથી દહીં જલ્દી ખાટું થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે દહીં લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહેશે...
દૂધની ગુણવત્તા અને તાપમાન:
હંમેશા તાજું અને સારી ગુણવત્તાવાળું દૂધ વાપરો. દૂધને બરાબર ઉકાળ્યા પછી જ્યારે તે થોડું ગરમ (નવશેકું) હોય ત્યારે જ તેમાં મેળવણ (મેળવેલું દહીં) નાખો. વધારે ગરમ દૂધમાં દહીં જમાવવાથી તે જલ્દી ખાટું થઈ જાય છે.
ખાંડનો જાદુ:
દહીંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા અને ખાટું થતાં અટકાવવા માટે દહીં જમાવતી વખતે દૂધમાં એક ચમચી ખાંડ ઉમેરી દો. આનાથી બેક્ટેરિયાનું સંતુલન જળવાય છે અને દહીંનો સ્વાદ લાંબો સમય સુધી મીઠો રહે છે. જો તમે મીઠું દહીં પસંદ કરતા હોવ તો આ બેસ્ટ રીત છે.
તાજું મેળવણ:
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કે દહીં જમાવવા મેળવણ ખૂબ જ જરૂરી છે. પરિણામે ઉનાળામાં દહીને ખાટું થતાં અટકાવવા માટે હંમેશા તાજું અને ઓછું ખાટું હોય તેવું મેળવણ વાપરો. જો મેળવણ જ ખાટું હશે તો દહીં પણ ખાટું જ બનશે.
પરફેક્ટલી કરો સ્ટોર:
દહીં જામી જાય એટલે તેને તરત જ ફ્રીજમાં મૂકી દેવું જોઈએ. ઠંડુ તાપમાન બેક્ટેરિયાની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેથી દહીં જલ્દી ખાટું થતું નથી. તેને હંમેશા એરટાઈટ ડબ્બામાં રાખો.
સ્વચ્છતા અને સ્થળ પણ છે મહત્ત્વનાઃ
દહીં જમાવવા માટેના વાસણો સાફ અને કોરા હોવા જોઈએ. રસોડામાં જ્યાં વધુ ગરમી કે સીધો તડકો આવતો હોય ત્યાં દહીં ન રાખવું. ઘરના કોઈ ઠંડા અને શાંત ખૂણે દહીં જમાવવું જોઈએ.