Tue Apr 21 2026

Logo

રાંધણ ગેસ માટે ગૃહિણીઓનો રઝળપાટ: 35 દિવસના 'ગેપ'ના નિયમે રસોડાનું બજેટ ખોરવ્યું

2026-04-21 12:11:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા લાંબા ગાળાના યુદ્ધની માઠી અસર હવે સ્થાનિક સ્તરે રાંધણ ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાંધણ ગેસના બાટલા મેળવવા માટે ગ્રાહકોને ભારે કમઠાણ વેઠવું પડી રહ્યું છે. 

વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ ગણાતી હોર્મુઝની ખાડી હાલ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ છે. એલપીજી ગેસનો જથ્થો લઈને ભારત આવી રહેલા જહાજો પર ફાયરિંગની ઘટનાઓ બનતા સુરક્ષાના કારણોસર આ જહાજોને અધવચ્ચેથી જ પાછા ફરવાની ફરજ પડી છે. જો આગામી દિવસોમાં આ સમુદ્રી માર્ગ સલામત રીતે નહીં ખુલે, તો ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આ અનિશ્ચિતતાને કારણે જ ઓઇલ કંપનીઓએ અત્યારથી જ બુકિંગ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને એજન્સીઓ દ્વારા બે બાટલા વચ્ચેના બુકિંગમાં વધારવામાં આવેલી દિવસોની મર્યાદાને કારણે મધ્યમ અને મોટા પરિવારોની સ્થિતિ કફોડી બની છે.

પુરવઠાની તંગીને પહોંચી વળવા ગેસ એજન્સીઓ દ્વારા હવે એક બાટલાના બુકિંગ બાદ બીજા બાટલા માટે ૩૫ દિવસનું અંતર રાખવાનો કડક નિયમ અમલી બનાવાયો છે. જે પરિવારોમાં સભ્યોની સંખ્યા વધુ છે અને ગેસ જોડાણ માત્ર એક જ છે, તેમને ૩૫ દિવસ સુધી એક બાટલો ચલાવવો અશક્ય બની રહ્યો છે. પરિણામે, ગ્રાહકોને સમયસર રાંધણગેસ ગેસ ન મળતા રસોડાનું બજેટ અને વ્યવસ્થા બંને ખોરવાઈ ગયા છે.

ગેસ બુકિંગ માટેની ઓનલાઈન સુવિધા પણ હાલ કથળી ગઈ છે. વારંવાર સર્વર ડાઉન રહેવાના કારણે ગ્રાહકો મોબાઈલ દ્વારા મિસ્ડકોલ કરીને બુકિંગ કરાવવા મથે છે, પરંતુ સફળતા મળતી નથી. આથી, છેવટે લોકોએ એજન્સીની ઓફિસ પર રૂબરૂ જઈને નવી બુક, કેવાયસી અપડેટ કે સરનામાં ફેરફાર જેવી પ્રક્રિયાઓ માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. જોકે, એક રાહતની વાત એ છે કે જે ગ્રાહકોનું બુકિંગ સફળતાપૂર્વક થઈ જાય છે, તેમને ગોડાઉન પરથી સિલિન્ડર સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યું છે. પરંતુ બુકિંગમાં પડતી મુશ્કેલી અને લાંબી અવધિને કારણે લોકોએ હવે ગેસના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક સગડી કે ઇન્ડક્શન ચુલાનો ઉપયોગ વધારવાની ફરજ પડી છે. લંબાતા જતા યુદ્ધને કારણે ગેસની અછત અને મોંઘવારી વચ્ચે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)