Sat Apr 25 2026

Logo

દ્વારકાના ‘ગોપી ચંદન’ને જીઆઈ ટેગ આપવા માટેની પ્રક્રિયા શરૂ

2026-04-24 16:44:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દ્વારકાથી અંદાજે ૨૦ કિમી દૂર આવેલા ગોપી તળાવની પવિત્ર માટી ‘ગોપી ચંદન’ને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ અપાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કેન્દ્ર સરકારમાં જીઆઈ ટેગ માટે અરજી કરવામાં આવી છે.

પૌરાણિક કથાઓ મુજબ, વૃંદાવનની ગોપીઓ ભગવાન કૃષ્ણને મળવા દ્વારકા આવી હતી અને આ પવિત્ર ભૂમિમાં સમાઈ ગઈ હતી, જેના કારણે આ માટી ધાર્મિક રીતે અત્યંત પૂજનીય બની છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ ચંદનનો ઉલ્લેખ પવિત્ર ગણવામાં આવ્યો છે. 

વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ગોપી ચંદન વિશિષ્ટ ખનિજ તત્વો જેમ કે ડોલોમાઇટ, ક્વાર્ટઝ અને કેઓલિનાઇટ ધરાવે છે, જે તેને અન્ય માટી કરતા અલગ બનાવે છે. હાલમાં આશરે ૨૦ જેટલા સ્થાનિક કારીગર પરિવારો આ પરંપરાના રક્ષકો છે અને વાર્ષિક ૧૦ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન કરી આશરે ૨ થી ૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલ વિજ્ઞાન, પરંપરા અને નવીનતાનો સંગમ છે જે આત્મનિર્ભર ભારત તરફનું એક ડગલું છે. જીઆઈ ટેગ મળવાથી માત્ર આ પવિત્ર વારસાનું સંરક્ષણ જ નહીં થાય, પરંતુ સ્થાનિક કારીગરોને આર્થિક સશક્તિકરણ પણ મળશે અને વૈશ્વિક સ્તરે તેની વિશ્વસનીયતા વધશે.