ભુજઃ કચ્છથી ઓડિશાને જોડતી લાંબા અંતરની ટ્રેન ગાંધીધામ-પુરી એક્સપ્રેસના શિડ્યુલમાં આગામી મે મહિના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. ઓડિશાના પુરી સ્ટેશન પર ચાલી રહેલા પ્લેટફોર્મ અપગ્રેડેશન અને ટેકનિકલ કામગીરીના કારણે આ ટ્રેનને નિર્ધારિત સ્ટેશનને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશન સુધી ટૂંકાવવાનો નિર્ણય લેવાયો છે.
પૂર્વ તટ રેલવેના ખુરદા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૭ અને ૮ના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સ્ટેશન યાર્ડમાં બેલેસ્ટલેસ ટ્રેક પાથરવા માટે ૬૦ દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ એન્જિનિયરિંગ કાર્યને કારણે ગાંધીધામથી ઉપડતી અને પુરીથી પરત આવતી ટ્રેનોને આંશિક રીતે રદ કરી સાક્ષી ગોપાલ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.
ગાંધીધામથી ઉપડતી ગાંધીધામ-પુરી એક્સપ્રેસ (૧૨૯૯૩)ને આગામી ૨૪ એપ્રિલ, ૧ મે અને ૮મે ના રોજ પુરી સ્ટેશન સુધી જવાને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશન પર જ પોતાની મુસાફરી પૂર્ણ કરશે. પરત ફરતી પુરી-ગાંધીધામ એક્સપ્રેસ (૧૨૯૯૪) ટ્રેન ૨૭ એપ્રિલ, ૪ મે અને ૧૧મી મેના રોજ પુરી સ્ટેશનને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશન થી ગાંધીધામ માટે રવાના થશે.
પુરી જતા યાત્રિકોને હવે સાક્ષી ગોપાલ સ્ટેશને ઉતરીને આગળની મુસાફરી અન્ય સાધનો દ્વારા કરવી પડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ફેરફારની નોંધ લેવા અને ઓનલાઇન પોર્ટલ પર સમયપત્રકની ખાતરી કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)