Thu Oct 08 2026

Logo

અમેરિકામાં પાટીદાર ડૉક્ટર પર મેડિકલ ફ્રોડ કેસ, સેટલમેન્ટ માટે ચૂકવશે અધધ રકમ

Washington DC   2026-04-07 08:34:00
Author: Mayur Patel
અમેરિકામાં પાટીદાર ડૉક્ટર પર મેડિકલ ફ્રોડ કેસ, સેટલમેન્ટ માટે ચૂકવશે અધધ રકમ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર જિતેશ પટેલ અને તેમની યુરોલોજી સંસ્થા એડવાન્સ યુરોલોજી પર દર્દીઓ પર બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા કરીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસ ઉકેલવા તેમણે 14 મિલિયન ડોલરની ચૂકવણી કરવા સહમતિ પણ આપી છે. 

અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર એટલાન્ટા સ્થિત એડવાન્સ્ડ યુરોલોજી અને ડૉ. પટેલ આ રકમ ફોલ્સ ક્લેમ્સ એક્ટ અને જોર્જિયા મેડિકેડ ક્લેમ્સ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા દાવાનો નિકાલ લાવવા માટે કરશે.

સંસ્થાએ મેડિકેર, ટ્રાઈકેર તથા અન્ય સરકારી સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં યુરોલોજિકલ અને ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા માટે બિલ વસૂલ્યું હતું. જોકે કેટલાક કિસ્સામાં આ ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. તેમજ અમુક કિસ્સામાં તેની તબીબી રીતે જરૂર નહોતી.

વ્હીસલબ્લોઅર્સે એડવાન્સ્ડ યુરોલોજીના પૂર્વ કર્મચારી અને આ સુવિધાના પૂર્વ ડૉક્ટર હિમાંશુ અગ્રવાલ સામેલ હોવાનું પણ જણાવ્યું હતું.  આ યુરોલોજીનું એકમનું સમગ્ર નેટવર્ક પટેલ તથા અન્ય લોકો માટે મહત્તમ નફો કમાવવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યું હતું.

અનેક આરોપો છે 

ડૉક્ટર જિતેશ પટેલ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બિનજરૂરી સિસ્ટોસ્કોપ અને રેટ્રોગ્રેડ પાયલોગ્રામ પ્રક્રિયા કરવીનો સમાવેશ થાય છે. જેમાં દર્દીને એનેસ્થેસિયા આપીને મૂત્રમાર્ગ દ્વારા બ્લેડર સુધી સ્કોપ નાંખવામાં આવે છે. આ ઉપરાંત દરેક દર્દીનો ઈલેક્ટ્રોમાયોગ્રાફી ટેસ્ટ કરાવાયો હતો. સામાન્ય યુરોલોજી પ્રેક્ટિસમાં આ ટેસ્ટ ખૂબ ઓછો કરવામાં આવે છે.

તેમજ મોટી સંખ્યામાં બિનજરૂરી અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા, ડાયરેક્ટ વિઝ્યુઅલ ઈન્ટરનલ યુરેથ્રોટોમી જેવી જટિલ પ્રક્રિયાના નામે બિલ કરવા પણ સામેલ છે. આ બધા માટે નિર્ધારીત કરતા અનેક ગણો વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત ડૉક્ટર જિતેશ પટેલે લગભગ દરેક નવા દર્દીની બિનજરૂરી તપાસ કરી હતી. તેમજ ન કરવામાં આવેલી સર્જરી માટે પણ ચાર્જ વસૂલ્યો  હતો.