Fri Oct 09 2026

Logo

કચ્છના અંજારના ચાંદ્રોડામાં શિકાર કરવા નીકળેલી ત્રિપુટી ઝડપાઈ: અંજાર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

2026-10-09 16:02:49
Author: Mumbai Samachar Team
કચ્છના અંજારના ચાંદ્રોડામાં શિકાર કરવા નીકળેલી ત્રિપુટી ઝડપાઈ: અંજાર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

Chat GPT Generated Image


ભુજ:પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વન્યજીવોનો શિકાર કરવાના ઈરાદે નીકળેલા ત્રણ શખ્સોને અંજાર સ્થાનિક પોલીસે દેશી બનાવટની બંદૂક, દારૂગોળો અને વાહન સહિત કુલ રૂપિયા ૪૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર પોલીસ મથકનો સ્ટાફ ગઈકાલે સમી સાંજના અરસામાં ચાંદ્રોડા પંથકમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ઝડાઈ સીમ વિસ્તારમાં એક મોટરસાઈકલ પર ત્રણ શખ્સો હથિયાર સાથે શિકાર કરવાના ઈરાદે આવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાબડતોબ વોચ ગોઠવી હતી.

પૂર્વ બાતમી મુજબનું મોટરસાઇકલ આવતાં જ પોલીસે તેને અટકાવ્યું હતું. વાહન પર સવાર પૈકીના એક શખ્સના ખભા પર દેશી બંદૂક લટકાવેલી નજરે પડી હતી. પોલીસે તુરંત જ ત્રણેય શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. પૂછપરછમાં પકડાયેલા શખ્સોની ઓળખ દિનેશ વેલજી દેવીપૂજક, કાંતિ લખમણ દેવીપૂજક તેમજ અરવિંદ વેલજી દેવીપૂજક (તમામ રહે. ચાંદ્રોડા) તરીકે થઈ હતી.

પોલીસે આરોપીઓની અંગઝડતી તેમજ મોટરસાઇકલની તપાસ કરતાં તેમની પાસેથી રૂપિયા ૫,૦૦૦ની કિંમતની હાથબનાવટની એક દેશી બંદૂક, બે ટોર્ચ (બેટરી), શીશુ જેવી ધાતુના નાના-મોટા ટુકડા, દારૂગોળાનો ગન પાવડર, બે મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલું હીરો મોટરસાઈકલ (નંબર જીજે-૧૨ બીએમ-૯૩૬૫) મળી કુલ રૂપિયા ૪૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે અરવિંદ ગેરકાયદેસર દેશી બંદૂક લાવ્યો હતો અને દિનેશ પોતાનું મોટરસાઈકલ લઈને આવ્યો હતો, ત્યારબાદ ત્રણેય જણા સીમમાં શિકાર કરવા નીકળ્યા હતા પરંતુ શિકાર કરે તે પૂર્વે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અંજાર પોલીસે આર્મ્સ એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય