મુંબઈ: દહિસરમાં ડેન્ટિસ્ટની ક્લિનિકનું શટર તોડી લેપટોપ અને રોકડ ચોરનારી ત્રિપુટીમાંથી એક આરોપીને પોલીસે વસઇથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ ઇરફાન રફીક શેખ (24) તરીકે થઇ હોઇ તે વસઇનો રહેવાસી છે. તેણે ગુનો આચરવા માટે વાપરેલી રિક્ષા કુરાર વિસ્તારમાંથી ચોરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
મીરા રોડમાં રહેતા ડેન્ટિસ્ટની દહિસર પૂર્વના બિસ્કિટા નગરમાં આવેલી ક્લિનિકમાં 29 ઑગસ્ટે રાતે ચોરી થઇ હતી. શટર તોડીને ઘૂસેલા ક્લિનિકમાં ઘૂસેલા ચોર લેપટોપ અને 80 હજારની રોકડ ચોરીને પલાયન થઇ ગયા હતા. બીજે દિવસે સવારે ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડેન્ટિસ્ટે દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ત્રણ શખસ રિક્ષામાં ઘટનાસ્થળે આવતાં અને ગુનો આચર્યા બાદ રિક્ષામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ રિક્ષામાં જતા નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધ ચલાવ્યા બાદ મળેલી માહિતીને આધારે વસઇ ખાતેથી ઇરફાન શેખને ઝડપી પાડ્યો હતો.