Wed Oct 07 2026

Logo

દિશા સાલિયાન કેસમાં મોટો વળાંક! પિતાએ હાઈ કોર્ટમાં કરી નવી અરજી; કહ્યું- 'આ શરતનો થઈ રહ્યો છે દુરુપયોગ'

2026-10-07 19:49:36
Author: Mayur Patel
દિશા સાલિયાન કેસમાં મોટો વળાંક! પિતાએ હાઈ કોર્ટમાં કરી નવી અરજી; કહ્યું- 'આ શરતનો થઈ રહ્યો છે દુરુપયોગ'

મુંબઈ: દિશા સાલિયાનના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈ તપાસ ચાલી રહી છે, ત્યારે તેના પિતાએ હાઈ કોર્ટના આદેશમાં આરોપી ન ગણવાની શરત સામે વાંધો ઉઠાવ્યો છે. આ શરતનો દુરુપયોગ થતો હોવાની રજૂઆત સાથે તેમણે કોર્ટમાં સ્પષ્ટતા માંગતી અરજી દાખલ કરી છે. બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા બાદ દિશા સાલિયાનના કેસ સતત ચર્ચામાં રહ્યો છે. 8 જૂન, 2020ના મુંબઈના મલાડ વિસ્તારમાં એક બહુમાળી ઈમારત પરથી નીચે પડતાં દિશાનું મોત થયું હતું.
 
આ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન દિશાના પિતાએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને 2 સપ્ટેમ્બરના આદેશમાં સામેલ એક શરતને હટાવવા અથવા તેમાં સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી, જેમાં સીબીઆઈને કોઈને પણ સીધા આરોપી ન ગણવાની શરત રાખવામાં આવી હતી. આ શરતનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દિશાના પિતાનો દાવો છે.

બોમ્બે હાઈ કોર્ટે પોતાના આદેશમાં સીબીઆઈને એફઆઈઆર  નોંધીને દિશા સાલિયાનના મોતની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તપાસ અધિકારી પાસે કોઈ વ્યક્તિ વિરુદ્ધ વાજબી શંકાના પૂરતો આધાર ન હોય, ત્યાં સુધી તેને આરોપી ગણવામાં નહીં આવે.

સતીશ સાલિયાનનું કહેવું છે કે આ શરત તેમને ગંભીર રીતે અસર કરી રહી છે અને આરોપી વ્યક્તિઓ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ બાબતને ધ્યાને રાખીને તેમણે આ શરતને હટાવવા અથવા તેમાં સ્પષ્ટતા કરવાની માંગણી કરી છે.

પોલીસે આત્મહત્યા ગણાવી હતી
સ્થાનિક પોલીસ અને એસઆઈટી અગાઉ જ દિશા સાલિયાનના મોતને આત્મહત્યા ગણાવી ચૂક્યા છે. જોકે, તેના પિતા સતત દાવો કરી રહ્યા છે કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી હતી અને તેમણે આ મામલાને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે પણ જોડ્યો હતો. દિશા સાલિયાન સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી.

કોર્ટે સીબીઆઈને સોંપી તપાસ
હાઈ કોર્ટે તપાસ પ્રક્રિયામાં રહેલી કથિત ક્ષતિઓ અને કેટલીક શંકાસ્પદ પરિસ્થિતિઓ પર સવાલ ઉઠાવતા આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી. કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈએ એફઆઈઆરમાંથી શંકાસ્પદ અને આરોપી સાથે જોડાયેલા સમગ્ર હિસ્સાને હટાવી દીધો હતો અને જણાવ્યું હતું કે તેણે હાઈ કોર્ટના આદેશનું પાલન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તપાસ દરમિયાન પૂરતા પુરાવા સામે ન આવે ત્યાં સુધી કોઈને પણ આરોપી માનવામાં ન આવે.

વર્ષ 2020માં દિશા સાલિયાનના મોતને પોલીસે આકસ્મિક મોત ગણાવ્યું હતું અને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હતો. આ ઘટનાના છ દિવસ બાદ જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું પણ અવસાન થયું હતું. જેના લીધે મામલો પેચીદો બન્યો હતો.