Fri Oct 09 2026

Logo

ઈબોલાગ્રસ્ત ડીઆર કોંગોમાં ફસાયેલા ભુજનાં પ્રોફેસરને ગુજરાત સરકાર વતન પરત લાવી

2026-06-17 17:41:57
Author: Pooja Shah
ઈબોલાગ્રસ્ત ડીઆર કોંગોમાં ફસાયેલા ભુજનાં પ્રોફેસરને ગુજરાત સરકાર વતન પરત લાવી

અમદાવાદઃ ભુજના પ્રોફેસર મિત્રને મળવા ડીઆર કોંગો ગયા હતા, પરંતુ અચાનક ઈબોલા ફાટી નિકળવાને કારણે ત્યાં ફસાઈ ગયા હતા. તેમણે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઓફિસનો સંપર્ક કર્યો હતો અને આખરે તેમનો વતન પાછો ફરવાનો માર્ગ મોકળો થયો હતો. 

આ અંગે રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર ભારતીય નાગરિક અને ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન હતું. જોકે, માત્ર બે દિવસ બાદ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને ધ્યાનમાં રાખીને રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દીધી, જેના કારણે તેઓ કિગાલી પરત ફરી શક્યા નહોતા.

અચાનક સરહદ બંધ થતાં ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ અને 31 મેના રોજ ભારત પરત આવવાની તેમની નિર્ધારિત ફ્લાઇટ પણ ચૂકી ગયા. ડૉ. અમીન સમાએ ભારત પરત ફરવા માટે મદદ મેળવવા નાયબ મુખ્ય પ્રધાનની કચેરીનો સંપર્ક કર્યો હતો અને મદદ માટે વિનંતી કરી હતી. આ દરમિયાન ડૉ. સમાએ સત્તાધિકારીઓને જાણ કરી હતી કે તેમણે કોઈપણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી અને તેમને બીમારીના કોઈ લક્ષણો નથી. 

આ વિનંતી બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત એનઆરઆઈ ડિવિઝનની ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને તાત્કાલિક આ મામલો હાથમાં લીધો હતો. તેમણે દિલ્હી સ્થિતિ અધિકારીઓ અને  ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક સાધ્યો હતો. 17 જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ હતી, જેના કારણે 18 જૂનના રોજ તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો હતો.