Tue Apr 21 2026

Logo

ભુજ: જેલમાંથી છૂટતા જ બિયર સાથે જન્મદિવસની ઉજવણી કરી વીડિયો વાયરલ કરનાર શખ્સ ઝડપાયો

2026-04-20 10:12:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજ:  એનડીપીએસ અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને તાજેતરમાં જ જેલમુક્ત થયેલા શખ્સે જાહેર રસ્તા પર બિયર સાથે જન્મદિવસની ઉજવણી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.  પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને   દબોચી લીધો હતો અને કાયદાનું ભાન  કરાવ્યું હતું.

શું છે મામલો

મળતી વિગતો મુજબ, ભુજના વાલ્મીકિનગર વિસ્તારમાં રહેતા પારસ રમેશગર ગુંસાઈ નામના શખ્સે ગઈકાલે રાત્રે પોતાના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તે કારના બોનેટ પર કેક કાપી રહ્યો હતો અને સાથે જ બિયરના ટીન તથા પાઈપ જેવા ઘાતક હથિયાર સાથે પ્રદર્શન કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ એક્શન મોડમાં આવેલી  સ્થાનિક ગુન્હાશોધક શાખાના પીએસઆઈ એમ.એચ. શિણોલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી લોટસ કોલોની વિસ્તારમાંથી આરોપી પારસ ગુંસાઈને ઝડપી પાડ્યો હતો. 

પોલીસે તેની પાસેથી  મારુતિ-સુઝુકી એસ ક્રોસ કાર, બિયરના ટીન મોટો પાઈપ (હથિયાર) જેવા મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં અન્ય એક આરોપી અજય લોહરા (રહે. લોટસ કોલોની)ની સંડોવણી ખુલતા તેને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલ આરોપી પારસ ગુંસાઈ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ ગાંજા અને એનડીપીએસના ત્રણ ગંભીર ગુના, દારૂબંધીના ગુના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ જેવા કેસો નોંધાઈ ચૂક્યા છે. જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ ફરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ તેને ભારે પડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો માફી માંગતો વીડિયો પણ વાયરલ કર્યો હતો, જેથી સમાજમાં દાખલો બેસે કે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં.

(ઉત્સવ વૈદ્ય)