મુંબઈ: મહારાષ્ટ્રની દીકરી નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદ માટે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ મહારાષ્ટ્રના પ્રખ્યાત શિક્ષણવિદ્ અશોક વિખે પાટીલનાં પુત્રી છે. ચૂંટણીમાં જીત બાદ નીલાએ કહ્યું કે તેઓ એવા લોકોનો અવાજ બનવા માંગે છે, જેઓ મતદાન કરી શકતા નથી. નીલાએ બાળકોના કલ્યાણ અને પર્યાવરણના ક્ષેત્રોમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 41 વર્ષીય નીલા વિખે પાટીલ સ્વીડનની ગ્રીન પાર્ટી સાથે જોડાયેલા છે.
ગ્રીન પાર્ટીએ તેમને સ્ટોકહોમ શહેરના ચૂંટણી ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવ્યાં હતાં. સ્વીડનમાં 13 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવી રહ્યાં હતાં. ચૂંટણીના અંતિમ પરિણામો 20થી 21 સપ્ટેમ્બર વચ્ચે આવવાની અપેક્ષા હતી. આ દરમિયાન નીલાએ પોતાની બેઠક જીતી લીધી છે. જીત બાદ નીલાએ કહ્યું કે 349 સભ્યો ધરાવતી સંસદનો ભાગ બનવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે તેઓ શહેર અને દેશ માટે યોગદાન આપવા ઉત્સાહિત છે.
નીલા અગાઉ સ્ટોકહોમ નગરપાલિકાની સિટી કાઉન્સિલમાં પણ ચૂંટાઈ ચૂક્યાં છે. પૂર્વ વડાપ્રધાન સ્ટેફન લોફવેનના કાર્યકાળ દરમિયાન તેમણે વડાપ્રધાનના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની મુખ્ય જવાબદારીઓ નાણાં, કરવેરા અને આવાસ સંબંધિત બાબતો સાથે જોડાયેલી હતી.
નીલાના પિતા અશોક વિખે પાટીલ મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સંસ્થાઓની શ્રેણી ચલાવતા વિખે પાટીલ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. તેમણે પોતાની પુત્રીની સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું છે. દરમિયાન, નીલાએ ભારત પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કરતાં કહ્યું, 'મને ભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે. હું ભારત સાથે ઊંડું જોડાણ અનુભવું છું.'