Wed Oct 07 2026

Logo

નવી મુંબઈમાં જીએસટી ઓફિસર સહિત બે જણની લાંચના કેસમાં ધરપકડ

2026-04-07 17:26:39
Author: યોગેશ ડી. પટેલ
નવી મુંબઈમાં જીએસટી ઓફિસર સહિત બે જણની લાંચના કેસમાં ધરપકડ

થાણે: નવી મુંબઈ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ની ટીમે સોફ્ટવેર ડેવલપર પાસેથી નવ હજાર રૂપિયાની કથિત લાંચ માગવા બદલ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના ઓફિસર અને તેની મહિલા સાથીદારની ધરપકડ કરી હતી.આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે એસીબીના અધિકારીઓએ કોંકણ ભવનમાં કાર્યરત ક્લાસ-2 ઓફિસર અમિત ભાનુદાસ ગિરિ (45) અને તેની સાથીદાર વૈશાલી વસંત કદમ (39)ને સોમવારે લાંચ સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યાં હતાં.

નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી) ધર્મરાજ સોન્કેએ કહ્યું હતું કે ફરિયાદીને પીટીઇસી (પ્રોફેશન ટેક્સ એન્રોલમેન્ટ સર્ટિફિકેટ) અને પીટીઆરસી (પ્રોફેશન ટેક્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અંગે ડિજિટલ હસ્તાક્ષર સાથેની કારણદર્શક નોટિસો મળી હતી.
જ્યારે ફરિયાદી મામલાના ઉકેલ માટે જીએસટી ઓફિસમાં આરોપી અધિકારીને મળ્યો ત્યારે તેણે નોટિસોનો નિકાલ લાવવા 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આથી એસીબીના અધિકારીઓએ સોમવારે છટકું ગોઠવીને અમિત ગિરિને તેની કેબિનમાં નવ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો, જ્યાં કાવતરામાં સામેલ તેની સાથીદારની પણ ત્યાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)