Wed Oct 07 2026

Logo

મુંબઈને કોલકાતાએ આપ્યો 221 રનનો પડકારરૂપ લક્ષ્યાંક

2026-03-29 21:42:18
Author: Ajay Motiwala
મુંબઈને કોલકાતાએ આપ્યો 221 રનનો પડકારરૂપ લક્ષ્યાંક

PTI


મુંબઈઃ કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળતાં દમદાર શરૂઆત કરી હતી અને છેવટે 20 ઓવરમાં 4/220ના સ્કોર સાથે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને જીતવા મોટો પડકાર ફેંક્યો હતો.

221 રનના લક્ષ્યાંક માટે મુંબઈએ પહેલા બૉલથી જ ફટકાબાજી શરૂ કરવી પડે એવી સ્થિતિ વચ્ચે કોલકાતાના બોલર્સની કસોટીનો સમય શરૂ થઈ ગયો હતો. અજિંક્ય રહાણે (67 રન, 40 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને સાથી ઓપનર ફિન ઍલન (37 રન, 17 બૉલ, બે સિક્સર, છ ફોર) આ શાનદાર ઇનિંગ્સના બે પ્રારંભિક હીરો હતા.

જોકે વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી (51 રન, 29 બૉલ, બે સિક્સર, છ ફોર) તેમ જ રિન્કુ સિંહ (33 અણનમ, 21 બૉલ, ચાર ફોર)ના પણ 220 રનમાં મહત્ત્વના યોગદાન હતા.

મુંબઈ વતી ચારમાંથી પહેલી ત્રણેય વિકેટ પેસ બોલર શાર્દુલ ઠાકરે અને એક વિકેટ હાર્દિકે લીધી હતી. બુમરાહ, બૉલ્ટ, માર્કન્ડેને વિકેટ નહોતી મળી. અફઘાનના નવા સ્પિનર ગઝનફરની ચાર ઓવરમાં 51 રન બનતાં તેનું ડૅબ્યૂ નિરાશાજનક રહ્યું હતું.