Wed Oct 07 2026

Logo

મારપીટના કેસમાં હાજર ન થનારાં મેયર રિતુ તાવડેને કોર્ટે દંડ ફટકાર્યો

2026-10-07 21:01:09
Author: Yogesh C. Patel
મારપીટના કેસમાં હાજર ન થનારાં મેયર રિતુ તાવડેને કોર્ટે દંડ ફટકાર્યો

મુંબઈ: મુંબઈનાં મેયર રિતુ તાવડેને 10 વર્ષ જૂના મારપીટના એક કેસમાં કોર્ટમાં હાજર ન થવા બદલ સેશન્સ કોર્ટે બુધવારે 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એ કેસમાં રિતુ તાવડે એક આરોપી છે. કોર્ટે આકરી ચેતવણી પણ આપી હતી કે આગામી સુનાવણીમાં જો ગેરહાજર રહેશે તો તેમની સામે વૉરન્ટ ઈશ્યુ થઈ શકે છે અને જામીન બૉન્ડ્સ રદ થઈ શકે છે.

એડિશનલ સેશન્સ જજ જી. જી. ભણસાલીએ નોંધ્યું હતું કે 2016માં બનેલી આ ઘટનામાં 2017માં કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યા છતાં હજુ સુધી આરોપ ઘડવામાં આવ્યા નથી. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આરોપો ઘડવામાં આવે એવી શક્યતા છે.

જજે ટિપ્પણી કરી હતી કે આરોપીઓની સતત ગેરહાજરી (તાવડે અને અન્ય બે આરોપી) ખટલાને લંબાવવાની માનસિકતા છતી કરે છે. અગાઉ સુનાવણી વખતે ખટલા દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ આપવાની તાવડેની અરજી કોર્ટે માન્ય રાખી 300 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જોકે બુધવારે આ મામલો ફરી સુનાવણી માટે આવ્યો ત્યારે તાવડે અને અન્ય બે આરોપીએ ફરીથી હાજરીમાંથી મુક્તિ માગી હતી. મારપીટની ઘટના 29 જુલાઈ, 2016ના રોજ સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત ઉર્દૂ મીડિયમની સ્કૂલમાં બની હતી.

ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો હતો કે તે સમયનાં નગરસેવિકા રિતુ તાવડે અને અન્ય છ લોકો શાળામાં પ્રવેશ્યા હતા અને કૅન્સરગ્રસ્ત શિક્ષકની બદલીને લઈને મૅનેજમેન્ટ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તે સમયે શાળાના બે શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 11 ઑગસ્ટ, 2016ના એફઆઈઆર નોંધાયો હતો. (પીટીઆઈ)