Fri Oct 09 2026

Logo

માંડવીના ઢુવા અનામત જંગલ વિસ્તારમાં વનતંત્રની કાર્યવાહી: રૂ ૪૩.૨૦ લાખની ૬૦૦ ચો.મી. જમીન દબાણમુક્ત કરાઈ

2026-07-01 12:27:00
Author: Mumbai Samachar Team
માંડવીના ઢુવા અનામત જંગલ વિસ્તારમાં વનતંત્રની કાર્યવાહી: રૂ ૪૩.૨૦ લાખની ૬૦૦ ચો.મી. જમીન દબાણમુક્ત કરાઈ

માંડવીઃ ભુજ અને ખાવડા બાદ હવે બંદરીય માંડવી પંથકમાં પણ સરકારી અને વન વિભાગની કિંમતી જમીનો પચાવી પાડનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. માંડવીના પ્રખ્યાત ઢુવા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વન વિભાગ અને પોલીસ પ્રશાસને સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા હતા. વનતંત્રે અંદાજિત રૂા. ૪૩.૨૦ લાખની બજાર કિંમત ધરાવતી ૬૦૦ ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો હટાવી સરકારનો કબજો પુન:સ્થાપિત કર્યો છે.

કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ માંડવી નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટાફ તેમજ વનપાલ અને વનરક્ષકોની ટુકડીએ ગત રવિવારે વહેલી સવારે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી. માંડવી રાઉન્ડની ગુંદિયાળી બીટ હેઠળ આવતા માંડવી ઢુવા રિઝર્વ ફોરેસ્ટના સર્વે નંબર ૩૭૦/૯૩ પૈકી ૧૦૯ની જંગલ જમીન પર વન વિભાગનું બુલડોઝર ફર્યું હતું. 

આ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા આસામીઓને અગાઉ કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. જો કે, નોટિસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં દબાણ ન હટાવાતા વન અધિનિયમ અંતર્ગત આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જુદા-જુદા સ્થળો પરથી બાંધકામો તોડી પડાયા હતા જેમાં નનામી દરગાહ વિસ્તારમાં અંદાજે ૨૫૦ ચોરસ મીટર જમીન પર કરાયેલું બાંધકામ હટાવાયું હતું. 

માંડવી બીચ પરના વિન્ડફાર્મ નજીકના જુદા-જુદા પ્લોટમાં કરાયેલા અનુક્રમે ૫૦, ૧૫૦ અને ૧૦૦ ચોરસ મીટરના દબાણો દૂર કરાયા હતા. તેમજ બાપા સીતારામની મઢુલી પાસે સરકારી જમીન પર ખડકાયેલું ૫૦ ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.વન વિભાગે કુલ ૬૦૦ ચોરસ મીટર કિંમતી જંગલ વિસ્તારની સરકારી જમીન ભૂમાફિયાઓના કબ્જામાંથી મુક્ત કરાવી છે. આગામી દિવસોમાં પણ દરિયાકાંઠાના અને વન વિભાગની હદમાં આવતા અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવો મક્કમ સંકેત રેન્જ ફોરેસ્ટ વિભાગે આપ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...