કામિની શ્રોફ
ઈંગ્લેન્ડ વિવિધ કાઉન્ટીઓનો દેશ છે (લેન્કેશાયર, યોર્કશયાર ઈત્યાદિ), જે 'શાયર' તરીકે ઓળખાય છે. કાઉન્ટીઓની પોતાની ખાસિયતો છે. બર્કશાયર કાઉન્ટી એની ભવ્યતાને કારણે રોયલ કાઉન્ટી તરીકે ઓળખાય છે તો બ્રિસ્ટોલ કાઉન્ટી સિટી ઓફ બ્રિજિસ કહેવાય છે અને કેમ્બ્રિજશાયર શિક્ષણનું ધામ કહેવાય છે.
લિંકનશાયર કાઉન્ટીમાં પ્રાકૃતિક સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. યુકેના પ્રવાસમાં ચાર - પાંચ દિવસ લિંકનશાયરના સ્કેગ્નસ નામના ટાઉનમાં સ્નેહીને ત્યાં મુકામ કરવા મળ્યો ત્યારે ન્યૂટનના જન્મસ્થાન અને જીર્ણોદ્ધાર કરેલા એક કિલ્લાની મુલાકાતનો અવસર મળ્યો. આ બંને સ્થળનો `મુંબઈ સમાચાર' સાથે નાતો હોવાનું ધ્યાનમાં આવતા આનંદ આનંદ થઈ ગયો.
ન્યૂટનનું જન્મસ્થાન ને સફરજનનું ઝાડ
`મુંબઈ સમાચાર' આયોજિત `માતૃભાષા ભાગવત સપ્તાહ'માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે `સનાતન ધર્મમાં સવાલ પૂછવાની છૂટ છે.' વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનને સનાતન ધર્મની જાણકારી નહીં જ હોય, પણ એમની સવાલ પૂછવાની વૃત્તિએ જ જગતને The Law of Gravitation- ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ભેટ આપી એ આપણે બધા જાણીએ છીએ. સ્કેગ્નસથી ન્યૂટનનું જન્મસ્થાન નજીક હોવાથી તેમના બાળપણના નિવાસસ્થાન અને દંતકથા બની ગયેલા સફરજનના વૃક્ષને નિહાળવાનો મોકો નહોતો છોડવો.
સ્કેગ્નસથી દોઢેક કલાકની કાર મુસાફરી કરી પહોંચ્યા વુલસ્થોર્પ મનોર નામના ફાર્મહાઉસ પર. ન્યૂટનનો જન્મ અહીં થયો હતો અને એમનું જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું બાળપણ સુધ્ધાં અહીં જ વીત્યું હતું. પ્લેગના રોગચાળાને કારણે તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજનો અભ્યાસ પડતો મૂકી 1665માં વુલસ્થોર્પ મનોર પાછા આવવું પડ્યું હતું. અહીં અભ્યાસ ચાલુ રાખી તેમણે ઘણા પ્રયોગો કર્યા જે આજના વિજ્ઞાનમાં પણ પાયાના સિદ્ધાંતો તરીકે જોવા મળે છે.
આ જ જગ્યાએ ત્રિપાર્શ્વકાચની મદદથી સૂર્યકિરણને મેઘધનુષના સાત રંગમાં વિભાજિત કરી દર્શાવ્યું, જેને આપણે ગુજરાતીમાં `જાનીવાલીપીનારા' તરીકે અને અંગ્રેજીમાં VIBGYOR તરીકે ઓળખીએ છીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ જગ્યાએ વૃક્ષ પરથી સીધા પડેલા સફરજનને જોઈ તેમણે ગત્વાકર્ષણનો અદ્ભુત સિદ્ધાંત આપ્યો.
ટિકિટનું ઓનલાઈન બુકિગ કર્યું હોવાથી સીધા અંદર ગયા જ્યાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા અને પુખ્ત વયના થયા એ સમયગાળાનો ન્યૂટન કોણ છે એનો પરિચય આપતી એક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી. ફિલ્મમાં વૈજ્ઞાનિક તરીકે તેમના અસાધારણ કૌશલ પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ત્યારબાદ વિવિધ ઓરડાઓમાં લટાર મારી અને ન્યૂટન જ્યાં બેસી અધ્યયન કરતા હતા એ જગ્યા જોઈ એને મનોમન વંદન કર્યા.
દરેક ઓરડો ન્યૂટન વિશે `કુછ કેહતા હૈ' જેવો હતો. દરેક જગ્યાએ ગાઈડ હાજર હતા અને દરેક પ્રશ્નના ઉત્તર આપતા હતા. સાયન્સ સેન્ટરમાં પ્રકાશ સંબંધિત ખેલ જોવાનો લ્હાવો મળ્યો અને કેટલાક જિજ્ઞાસુઓ (ભાગવત કથામાં શંકરાચાર્યએ જિજ્ઞાસા વૃત્તિને બિરદાવી હતી) ગુત્વાકર્ષણ અને વિજ્ઞાનની અમુક મૂંઝવતી બાબતો અંગે વોલ્યુન્ટિયર્સને સવાલો પૂછી જિજ્ઞાસા વૃત્તિ સંતોષી રહ્યા હતા.
ત્યારબાદ અમે વિશ્વવિખ્યાત સફરજનના વૃક્ષ પાસે પહોંચ્યા. સફરજનના જે વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનના દિમાગમાં નીચે પડતા (માથા પર પડ્યું હતું એ ઉપજાવી કાઢેલી વાત છે એમ કહેવામાં આવ્યું) સફરજન પડતા `સફરજન કેમ સીધા જમીન પર પડે છે? ડાબી કે જમણી બાજુ કેમ નથી પડતા?' સવાલો ઊભા થયા અને એ કુતૂહલ - એ જિજ્ઞાસા તેમને ગુત્વાકર્ષણના સિદ્ધાંતની ખોજ તરફ ખેંચી ગયા.
આ વૃક્ષ ફરતે રક્ષણ માટે એક નાનકડી વાડ બાંધવામાં આવી છે. સ્થળ પર આપેલી જાણકારી અનુસાર 1820ના વાવાઝોડામાં આ વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે, એના મૂળિયાં એટલા મજબૂત હતા કે એ ઉખડી ન ગયા અને ધીમે ધીમે નવેસરથી વૃક્ષ ઉગી નીકળ્યું, જે આજે સહેલાણીઓ જુએ છે અને માણે છે. મૂળિયાં મજબૂત હોય તો કોઈ તાકાત વિકાસ ન અટકાવી શકે એ ફિલસૂફી આવી ઘટનાથી જ આવતી હશે.
ફાર્મહાઉસમાં સૌથી વધુ હાજરી આ વૃક્ષ પાસે જોવા મળી. આ વૃક્ષ આજની તારીખમાં અનેક ફળ આપે છે અને એની ડાળીઓ કાપી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં એપલ ટ્રી ઉગાડવાની કોશિશ થઈ રહી છે. વૃક્ષ ઊગેછે પણ એની નીચે બેસી સફરજન ખાનારમાંથી બીજો ન્યૂટન તૈયાર થયો કે નહીં એની જાણકારી નથી.
કિલ્લો અને મુંબઈ સમાચાર
ખંડિત અને પુનર્જીવિત ઈમારતો જોવાની અને એની સાથે સંકળાયેલા રસપ્રદ ઈતિહાસ વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં હોય. પણ થાય છે એવું કે ઘણીવાર Ruins and Restoration (ભગ્નાવશેષ અને જીર્ણોદ્ધાર)ની કહાણીમાં કેટલીક બાબતો સરખી હોવાથી વિશેષ ઉમળકો નથી રહેતો, સિવાય કે એ ઈમારતનું કોઈ અનન્ય પાસું આકર્ષિત કરી જાય.
સ્થાનિક રહેવાસીએ ટેટરશોલ કાસલની લાક્ષણિકતાઓનું વર્ણન કરતી વખતે આ કિલ્લો લાલ ઈંટમાંથી તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું ત્યારે એની મુલાકાત પ્રાથમિકતા બની ગઈ. `મુંબઈ સમાચાર'ની ઈમારત પણ લાલ ઈંટ -Red Bricks વડે બનેલી છે અને Red House તરીકે પ્રખ્યાત હોવાથી કિલ્લો જોવાની તાલાવેલી વધી ગઈ. વિદેશમાં પણ દેશની ભવ્યતાનું સ્મરણ આનંદિત કરી દે છે.
સ્કેગ્નેસથી માત્ર પોણો કલાકના કાર પ્રવાસમાં ટેટરશોલ કાસલ પહોંચી ગયા. સંપત્તિ અને સત્તાના પ્રતીકની આજે જે ઈમારત ઊભી છે એ પુન:નિર્માણ કરેલી છે. લાલ ઈંટને કારણે લીલાછમ મેદાન પર લાલચોળ લાગતી 129 ફૂટ ઊંચી ઈમારત મધ્યકાલીન યુગના માનવી કૌશલનું સુંદર પ્રતીક છે.
લિંકનશાયરનો ટેટરશોલ કાસલ મધ્યકાલીન યુગમાં વેપાર-વણજનું મહત્ત્વ ધરાવતું કેન્દ્ર હતું. યુરોપના ઘણા વેપારીઓ જળમાર્ગે ઈંગ્લેન્ડ પહોંચી અહીં ટર્કીશ કાર્પેટ્સ જેવી લક્ઝુરિયસ આઈટમ તેમજ મસાલાના વેપાર માટે આવતા હતા. 1231માં રાજા હેન્રી ત્રીજાએ આ કિલ્લો રોબર્ટ ટેટરશોલને શિરપાવ રૂપે ભેટ આપ્યો અને પછી એ ટેટરશોલનું નિવાસ્થાન બની ગયો. ત્યારબાદ માલિકી બદલાતી ગઈ અને એમાં સમય અને રુચિ અનુસાર ફેરફાર પણ થતા રહ્યા, પણ બાંધકામમાં કિલ્લાના સ્થાપત્ય (આર્કિટેક્ચર)ને પ્રાધાન્ય મળતું રહ્યું.
સત્તરમી સદીના અંતિમ દાયકામાં નવા માલિક ત્યાં રહેતા ન હોવાથી જાળવણીના અભાવે એની અવદશા શરૂ થઈ અને એક તબક્કે ભવ્ય કિલ્લાના આંગણાનો પરિસર ઢોર ઢાખરને ચરવાનું સ્થળ બની ગયો. જોકે, કિલ્લાની ખંડિત અવસ્થા જોવા સહેલાણીઓ ઉમટતા હતા. 1905માં `બંગાળના ભાગલા' માટે ભારતીયો જેને ધિક્કારે છે એ વાઈસરોય જ્યોર્જ કર્ઝનએ આ કિલ્લાના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું.
ત્રણ વર્ષમાં નવી ઈમારત ખડી થઈ ગઈ અને પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. 1925માં કર્ઝનના અવસાન પછી ટેટરશોલ કાસલ યુકેના `નેશનલ ટ્રસ્ટ'ને સોંપી દેવામાં આવ્યું. છેલ્લાં 100 વર્ષથી ટ્રસ્ટ એની જાળવણી કરે છે.