Fri Apr 17 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ થોડું આ, થોડું તે - એક રસપ્રદ કલ્પના

2026-04-11 10:40:00
Author: Hemant Vala
Article Image

 

હેમંત વાળા

સ્થાપત્યમાં વિરોધાભાસી નિર્ણયો તકલીફ ઊભી કરી શકે. વિરોધી પ્રતિત થતી બે બાબતોને જો એક સાથે મૂકવામાં આવે તો ઘર્ષણ ઊભો થવાની સંભાવના રહે. જ્યારે બે બાબત ભિન્ન ભિન્ન વાત કહેતી હોય ત્યારે એ સંવાદ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જવાની શક્યતા હોય. એમ જોવા મળે છે કે સાથે સાથે આવેલાં બે મકાનો વચ્ચેની ભિન્નતા સ્વીકારી લેવામાં આવે પણ એક જ મકાનની અંદર જો બે ભિન્ન બાબતો વણાયેલી હોય તો ઊભો થતો વિરોધાભાસ અનુભૂતિમાં નકારાત્મકતા લાવી શકે. પણ અહીં આમ નથી થતું. જોકે આ એક કાલ્પનિક રચના છે છતાં પણ બે વિરોધાભાસી બાબતોને એક સાથે મૂકવાનો જે પ્રયત્ન છે તે પ્રશંસાને પાત્ર છે.

ક્વોંગ વોન ગ્લિનોના જંગલ વિસ્તારની આ સૂચિત રચના એક વિશાળ એક ગોળાકાર છત્ર હેઠળ નિર્ધારિત કરાઇ છે. આ યોજનાનું નામ જ ઘર, આમાંથી થોડું, તેમાંથી થોડું, એમ રખાયું છે. આ નામ જ ઘણી વાતો સૂચિત કરે છે. અહીંથી પણ થોડું લેવાયું છે અને ત્યાંથી પણ. આની માટે પણ અહીં સ્થાન છે અને તેની માટે પણ. આ પણ અહીં જરૂરી છે અને તે પણ. આ પણ યોગ્ય છે અને તે પણ. આજે આ અને તે વચ્ચેનો સમન્વય છે તે આ સૂચિત રચનાનું મહત્ત્વનું પાસું છે. આ નામ થકી જ એમ દર્શાવવામાં આવ્યું છે કે આ રચના બે ભિન્ન પ્રકારની બાબતોના સમન્વય થકી નિર્ધારિત થયું છે.

આશરે 2170 ચોરસ ફૂટનો સમાવેશ કરતું વિશાળ ગોળાકાર છત્ર એક પ્રકારનો ભાવ સ્થાપિત કરે. આ છતની રચનાથી વિશાળતા ઊભી થાય, એક પ્રકારનું નિયંત્રણ સ્થાપિત થાય, નડે નહીં તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય અને સમગ્રતામાં `સુમધુરતા' અનુભવાય. તેની સરખામણીમાં આજ છત્ર નીચે જે ટી-આકારની નવ દીવાલો ઊભી કરાઈ છે તે જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવે. એક તરફ છત્ર એકીકરણની પ્રક્રિયા સ્થાપિત કરે તો આ ઘનાકાર દીવાલો સમગ્ર રચનાને નાનાં ભાગમાં વિભાજિત કરે. 

છત્ર વળાંકાકાર રહે તો આ દીવાલો ખૂણાં ઊભાં કરે. છત્ર સમગ્ર આવાસનો આકાર નિર્ધારિત કરે તો આ ઘનાકાર દીવાલો જુદાં જુદાં સ્થાનોની ભૂમિતિ નક્કી કરે. છત્ર એક વિશાળ પ્રમાણમાપ દર્શાવે તો આ ઘનાકાર દીવાલો તે માપને વિભાજિત કરે. આ બંને ઘટનાઓ પોતપોતાનું કામ જાણે સ્વતંત્રતાથી કરે છતાં પણ બંને વચ્ચે ઘર્ષણ ઊભું થતું નથી. ક્યાંક આ ટી-આકારનાં ઘટકો પ્રકાશ સાથે રમતા ભૌમિતિક શિલ્પની અનુભૂતિ કરાવવાં પણ સમર્થ રહે.

અહીં એક કૌટુંબિક સ્થાન બનાવાયું છે જેનો દિવાનખંડ તરીકે પણ ઉપયોગ કરી શકાય. સાથે ભોજનકક્ષ, રસોઈ નાનકડું વ્યક્તિગત કાર્યાલય, લાઇબ્રેરી અને તેની સાથે જોડાયેલો વાંચનખંડ તથા શયનખંડ સમાવાયાં છે. આ સમગ્ર સ્થાન નિર્ધારણ ટી-આકારનાં નવ ઘટકોથી થયું છે. તે વચ્ચેની જગ્યા કાચ કે અન્ય `ફીલર-પેનલ'થી બંધ કરાઈ છે. આ પ્રકારનાં નિર્ણયથી ટી-આકારનાં પ્રત્યેક ઘટકનું દૃશ્ય મહત્ત્વ જળવાઈ રહે છે. આ એક નોંધવા જેવી બાબત છે. 

અહીંના સ્થાન નિર્ધારણમાં ટી-આકારનાં ઘટકોથી પ્રત્યેક સ્થાન સીમિત બને છે છતાં સાથે સાથે તેની ગોઠવણ એ પ્રકારની છે કે સમગ્ર પ્લાનમાં, સમગ્ર રચનામાં મુક્તતા અને ખુલ્લાપણાનો અહેસાસ પણ થઈ શકે. વળી સાથે ટી-આકારનાં ઘટકો વચ્ચેની જગ્યાથી બહારની પરિસ્થિતિ સાથેનો દૃશ્ય સંપર્ક પણ સરળતાથી સ્થાપિત થઈ શકે છે. 

વિશાળ ગોળાકાર છત્રથી આવાસના વચ્ચેના ભાગમાં કુદરતી પ્રકાશની માત્રા ઓછી રહે અને તેથી આ છત્રમાં વચમાં ક્યાંક ક્યાંક મૂળભૂત ભૌમિતિક આકારની `સ્કાય-લાઈટ'ની ગોઠવણ કરાઈ છે. આ પ્રકારની સ્કાય લાઈટ અને તેની નીચે ગોઠવાયેલ ટી-આકારનાં ઘટકો વચ્ચેનો સંવાદ પણ રસપ્રદ છે.

આ રચનાની અન્ય વિશેષતામાં તેના આંતરિક અને બાહ્ય ભાગ વચ્ચે રહેલી સામગ્રીની સાતત્યતા છે. અહીં મકાનના બાંધકામમાં જે સામગ્રીનો ઉપયોગ થયો છે તે જ સામગ્રી, દૃશ્ય અનુભૂતિની દ્રષ્ટિએ બહાર સુધી પહોંચે છે. આ મકાનની અન્ય એક ખાસિયત એ છે કે અહીં મકાનની અંદરના `બંધ' વિસ્તારમાં જેટલી સંભાવના છે તેટલી જ સંભાવના બંધ વિસ્તારની `બહાર', છત્રની નીચે આવેલા વરંડા જેવા વિસ્તારમાં છે. 

અહીં અર્ધ-ખુલ્લી જગ્યાને પણ મહત્ત્વ અપાયું છે. બંધ વિસ્તારની બહાર ઝૂલતો છત્રનો ભાગ ઘરના અંદર અને બહારના ભાગના સમન્વય સમાન બની રહેશે. જંગલની પરિસ્થિતિને સરળતાથી અને સહજતા માણવા માટેની આ એક હકારાત્મક પરિસ્થિતિ છે, આમ પણ આ આવાસની રચના જંગલના માહોલને માણવા માટે જ સૂચિત કરાઈ છે.

ઉપયોગિતાની દ્રષ્ટિએ આ રચના સામાન્ય છે. તેની મજા તેની ભૌમિતિક રમતમાં છે. ઘનાકાર અને વર્તુળ, બંને ભૌમિતિક આકારની શુદ્ધતા જાળવી રાખીને તેનો ઉપયોગ કરાયો છે. આમાં વર્તુળ આકારનું પ્રાધાન્ય છે પરંતુ ઘનાકાર પણ પોતાનું અસ્તિત્વ દ્રઢતાથી સ્થાપિત કરે છે. અહીં વર્તુળ બધાંને આવરી લે છે જ્યારે ઘનાકાર બધાંને સ્પષ્ટ રીતે વિભાજિત કરે છે. 

આ બંને કાર્ય ચોક્કસ માત્રામાં થતાં હોવાથી તેમની વચ્ચે હેતુલક્ષી અથડામણ નથી થતી. વર્તુળને એક કામ સોંપવામાં આવ્યું છે જે તે વ્યવસ્થિત રીતે સિદ્ધ કરે છે. તેવી જ રીતે ઘનાકારને જે કામ સોંપવામાં આવ્યું છે તે પણ તેના દ્વારા સરસ રીતે પાર પાડવામાં આવ્યું છે.