નવી દિલ્હીઃ ભારતમાં હવે પેઈડ મોબાઈલ એપ્લિકેશન પર લોકો દિલ ખોલીને પૈસા ખર્ચી રહ્યા છે. જુદી જુદી એપ્લિકેશન પર સબસ્ક્રિપ્શનને લઈને થયેલા એક સર્વેમાંથી આ વાત સામે આવી છે. મોબાઈલ એપ્લિકેશન માર્કેટની ભારતની રેવન્યૂ અત્યારે સૌથી વધારે છે અને ટોપ પર છે એમ કહી શકાય. રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં એપ્સ પરચેઝ માર્કેટ 300 મિલિયન ડૉલરને પાર થઈ ગઈ છે. આ એક નેટ રેવન્યૂ છે.
33 ટકાનો નોંધપાત્ર વધારો
વાર્ષિક ધોરણે ગણતરી કરીએ તો આ માર્કેટમાં 33 ટકાનો સીધો વધારો થયો છે. ભારતનો યુવાવર્ગ પ્રીમિયમ, પેઈડ, સબસ્ક્રિપ્શન અને ફીચર અનલોક એપ્સ માટે દિલ ખોલીને પૈસા વાપરે છે. હકીકત એ છે કે, આ તમામ પૈસો વિદેશી કંપનીઓની તિજોરીમાં જમા થાય છે. સેંસટાવરના એક રિપોર્ટ અનુસાર નોન ગેમિંગ એપ્લિકેશન અંતર્ગત 200 મિલિયન ડૉલરની આવક થઈ છે. જે ગત વર્ષના પ્રથમ ત્રણ માસની તુલનામાં 44 ટકા વધારે છે. સૌથી વધારે રેવન્યૂ કમાતી એપ્લિકેશનમાં ગૂગલવન, ફેસબુક (પેઈડ), ચેટજીપીટી (પ્રીમિયમ વર્ઝન અને સબસ્ક્રિપ્શન), યુટ્યુબ (સબસ્ક્રિપ્શન, જેમાં જાહેરાત વગર વિડિયો પ્લે થાય છે), ઈન્સ્ટાગ્રામ (પેઈડ), સોની લીવ (સબસ્ક્રિપ્શન), કંચ્રીરોલ, જીયોહોટસ્ટાર (સબસ્ક્રિપ્શન) અને એમેઝોન પ્રાઈમ વીડિયો (સબસ્ક્રિપ્શન)નો સમાવેશ થાય છે.
ચેટજીપીટીનો દબદબો
સૌથી વધારે ડાઉનલોડ થતી કે અપગ્રેડ થતી એપ્લિકેશનમાં ચેટજીપીટી, ઈન્સ્ટાગ્રામ, ફ્રીરીલ્સ, સ્ટોરીટીવી, મીશો, ફ્લિપકાર્ટ (વન ટાઈમ શૉપિંગ), ફોન પે (વન ટાઈમ ડાઉનલોડ) અને કુકુ ટીવીનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો જનરેટીવ એઆઈ એપ્સના માત્ર ડાઉનલોડમાં 70 ટકાનો વધારો થયો છે. ડેટા કેટેગરી અને વારંવાર થતા અપગ્રેડેશનની ટકાવારી 100 ઉપર થાય છે. ચેટજીપીટી એપ્લિકેશન વર્ઝન આવ્યા બાદ વેબસાઈટ બાદ બીજા ક્રમે સૌથી વધારે ડાઉનલોડ થતી એપ્લિકેશન બની છે. વર્ષ 2021માં ભારતમાં એપ્લિકેશન રેવન્યૂ માર્કેટ 510 મિલિયન ડૉલર હતી, જે છેલ્લા એકાદ વર્ષમાં 1 બિલિયન ડૉલરને પાર થઈ ગઈ.
એંગેજ પિરિયડ વધ્યો
આ વર્ષે અંદાજો એવો છે કે, આ આંકોડ 1.25 બિલિયન ડૉલરને પાર થઈ શકે છે, જ્યારે ડાઉનલોડિંગનો આંકડો 25 બિલિયન ડૉલર પર અટકી ગયો છે. આ રકમ નથી પણ વારંવાર ડાઉનલોડ થતી એક જ પ્રકારની એપ્લિકેશનની સરેરાશ છે. માત્ર રેવન્યૂ જ નહીં એપ્લિકેશન પર પસાર થતા સમયમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એંગેજ ટાઈમ પિરિયડમાં સૌથી વધારે રાત્રીનો સમય પસંદ કરવામાં આવી રહ્યો છે. બીજા ક્રમે ટ્રાવેલિંગનો સમય આવે છે. આ માટે યુવા વર્ગ જે તે એપ્લિકેશનને પૈસા દેવા માટે પણ રાજી છે. આ પાછળનું એક કારણ વિષયોનું વૈવિધ્ય અને કોન્ટેટની દમદાર રીચ પણ માનવામાં આવે છે.
ગ્લોબલ માર્કેટમાં ટકાવારી ઓછી
ગ્લોબલ માર્કેટની તુલનામાં ભારતમાં એપ્લિકેશન પરચેઝ ફીગર ઓછો છે અને ભારતનો ક્રમ પાછળ છે. ભારતમાં મોબાઈલ એપ્સ દરેક ડાઉનલોડના બદલામાં 0.03 ડૉલરની કમાણી કરે છે. સાઉથ ઈસ્ટ એશિયા, લેટીન અમેરિકામાં કંપનીઓ દરેક ડાઉનલોડના બદલામાં 0.20 ડૉલર કમાય છે. વૈશ્વિક ધોરણે ભારતની તુલના કરવામાં આવે તો બીજા દેશના યુવાનો એપ્લિકેશન પાછળ સૌથી વધારે પૈસા ખર્ચે છે.