Sat Apr 25 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરસતા કેમ?

2026-04-25 08:40:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

ગુજરાતમાં રવિવાર ને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો ઉપરાંત 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠક માટે રવિવારે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણ  પક્ષો વચ્ચે મુખ્ય જંગ છે. આ સિવાય બીજા નાના નાના પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે. 

રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો તો ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે પ્રચાર કરવો જ પડે તેથી એ બધા પોતાની રીતે મથ્યા કરે છે પણ સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ નથી. બધા મળીને 25 હજારથી વધારે ઉમેદવારો મેદાનમાં છે બધાંના સો-સો સમર્થકો ગણીએ તો લગભગ 25 લાખ જેટલા લોકો ચૂંટણીમાં સક્રિય છે તેથી થોડો ઘણો માહોલ લાગે પણ આ માહોલમાં સામાન્ય મતદારોની બહુ ભાગીદારી હોય એવું દેખાતું નથી. 

આ  લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટી છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયતો માટે મતદાન છે તેથી રાજ્યના તમામ મતદારો મતદાન કરશે એ જોતાં તેનો વ્યાપ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો જ છે. ગુજરાતમાં આવતા વરસે એટલે કે 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં રાજકીય પક્ષો માટે આખા રાજ્યમાં પોતાની તાકાતનાં પારખાં કરવાની આ છેલ્લી તક છે ને લોકો માટે પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના ગમા-અણગમા, અસંતોષ, આક્રોશ વગેરે વ્યક્ત કરવાનો આ છેલ્લો મોકો છે. 

આ સંજોગોમાં આખું ગુજરાત ચૂંટણીમય બની જવું જોઈએ પણ તેના બદલે  સામાન્ય જનતા તો  પોતાને ચૂંટણી સાથે કંઈ નિસ્બત જ ના હોય એ રીતે વર્તી રહી છે. ગુજરાતમાં સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે તેથી બહુ મોટી સંખ્યામાં લોકો પરિવારો સાથે વેકેશન માણવા ઉપડી ગયા છે. મતદાન દરેક મતદારની ફરજ છે એવા મોટા મોટા દાવા થાય છે ને પોતાની ફરજ નિભાવવા માટે મતદાન ફરજિયાત કરવાની અપીલો પણ થાય છે પણ મતદારોને તેમાં કોઈ રસ જ ના હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવા માંડી છે તેની પણ થોડીઘણી અસર હશે પણ મુખ્ય કારણ તો મતદારોની નિરસતા જ છે. 

મતદારોની નિરસતા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ દેખાઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિળનાડુ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 90 ટકાની આસપાસ બમ્પર વોટિગ થયું છે ત્યારે ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર 59 ટકા મતદાન થયું. 2022ની ચૂંટણી વખતે ઉમરેઠ બેઠક પર 68 ટકા મતદાન થયેલું તેની સરખામણીમાં આ વખતે નવ ટકા ઓછું મતદાન થયું છે. પેટાચૂંટણીમાં ત્રણ-ચાર ટકા મતદાન ઓછું થતું હોય છે પણ નવ ટકા તફાવત બહુ મોટો કહેવાય. 

અલબત્ત મતદારોની નિરસતા જોતાં 59 ટકા મતદાન પણ વધારે લાગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલું મતદાન થવામાં પણ શંકા છે. ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કદાચ 60 ટકા ઉપર મતદાન થઈ જાય પણ શહેરી વિસ્તારોમાં તો ઉમરેઠ બેઠક જેટલું મતદાન થવામાં પણ શંકા છે. 

આ નિરસતાનું મુખ્ય કારણ ગુજરાતમાં સબળ વિપક્ષનો અભાવ છે. ખાસ કરીને કોંગ્રેસ સાવ નબળી સાબિત થઈ છે. ગુજરાતમાં વરસોથી ભાજપ સત્તામાં જામેલો છે પણ લોકોની સમસ્યાઓ તો હજુય યથાવત જ છે. રોડ-રસ્તા, પાણી, ચોમાસામાં પાણી ભરાઈ જવાં સહિતની સ્થાનિક ચૂંટણીઓ માટેની સમસ્યાઓ મોટા પ્રમાણમાં છે પણ વિપક્ષ લોકોની આ સમસ્યાઓને અસરકારક રીતે રજૂ જ નથી કરી શકતો. 

અત્યારે ચૂંટણી છે તેથી ઘણે ઠેકાણે મતદારો પોતે જાગૃતિ બતાવીને પોતાની સમસ્યાઓને મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકે છે, ભાજપના કાર્યકરો કે નેતાઓને પોતાના વિસ્તારોમાં નહીં પ્રવેશવા દેવા જેવા નિર્ણયો લે છે ને ઘણે ઠેકાણે તો કામ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના હોદ્દેદારો સામે ઉગ્ર આક્રોશ પણ ઠલવાયો છે. 

ખરેખર, આ કામ વિપક્ષે કરવાનું હોય પણ વિપક્ષ નિષ્ફળ ગયો છે. વિપક્ષોએ આક્રમકતાથી પાંચ વરસ લગી લોકોની સમસ્યાઓ ઉઠાવી હોત તો અત્યારે લોકો તેમની પડખે ઊભા રહ્યા હોત. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓને સતત વાચા આપી તેના કારણે મતદારો તેમના પ્રચારમાં સક્રિય છે પણ બધે આ માહોલ નથી. કોંગ્રેસની તરફેણમાં લોકો ઉમટતા જ નથી તેથી ચૂંટણીનો માહોલ જામતો નથી. 

ભાજપે અપનાવેલી બિનલોકશાહી રીતરસમો પણ મતદારોની નિરસતાનું એક કારણ છે. ગુજરાતમાં વરસોથી ભાજપનું એકચક્રી શાસન છે અને લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણીઓમાં તો ભાજપનું બુલડોઝર જ ફરી વળે છે.  લોકસભામાં છેલ્લી ત્રણ ચૂંટણીમાંથી બે વાર તો ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીને બધી બેઠકો જીતેલી. 

2024ની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી જીતીને ગેનીબેને આબરૂ સાચવી લીધેલી. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવેલો. અલબત્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ટક્કર આપતી હતી. .2016માં તો પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતો અને બે તૃતિયાંશ તાલુકા પંચાયતો જીતીને સપાટો બોલાવી દીધેલો. 

આ વખતે ભાજપે પાણી પહેલાં જ પાળ બાંધી દીધી છે. 2021માં ભાજપે પાટીદારોને સાચવી લઈને ગુમાવેલા ગઢ પાછા મેળવ્યા પછી વિપક્ષોને નબળા પાડવા મોટા પાયે  ભરતી મેળો શરૂ કરીને છેક નીચલા સ્તરે કાર્યકરોને તોડીને વિપક્ષોને નબળા પાડવાની વ્યૂહરચના અમલમાં મૂકી છે. ભાજપ હવે એક કદમ આગળ વધ્યો અને ઉમેદવારોને જ બેસાડી દેવાનો ગંદો ખેલ શરૂ કર્યો. 

ગુજરાતમાં 4000 જેટલી બેઠકની ચૂંટણી છે ને તેમાંથી 800 જેટલી બેઠક તો બિનહરીફ થઈ ગઈ છે. આ બેઠકો કઈ રીતે બિનહરીફ થઈ એ સૌ જાણે છે. ભાજપે સામ, દામ, દંડ, ભેદ અજમાવીને વિપક્ષી ઉમેદવારોને બેસાડી દઈને બેઠકો બિનહરીફ કરાવી છે. નવસારીમાં તો કોંગ્રેસના મહામંત્રીને ફોડીને ઉમેદવારોને મેન્ડેટ જ ના મળે એવો ખેલ ભાજપે પાડી દીધો. 

ભાજપ આ દાવપેચમાં ગર્વ અનુભવે છે પણ તેના કારણે લોકશાહી નબળી પડી રહી છે. ચૂંટણી વિના સત્તા મળે એવું તો ઉત્તર કોરિયા, રશિયા વગેરે તાનાશાહોના દેશોમાં થાય, ભારતમાં લોકશાહી છે ને ભારતમાં આવું થવું જ ના જોઈએ. બીજું એ કે,  તમે સત્તાના જોરે હરીફોને બેસાડી દઈને જીતો એ મર્દાનગી ના કહેવાય પણ તમને કામના જોરે જીતવાનો આત્મવિશ્વાસ નથી એવું દેખાય છે. ભાજપની નેતાગીરીને આ વાત ના સમજાતી હોય એવું બને પણ મતદારોને આ વાત સમજાય જ છે ને નિરસતાનું એક કારણ એ પણ છે.