Sun Oct 04 2026

Logo

ગુજરાતના આ ગામમાં શિક્ષિકા સામે આક્રોશઃ લોકોએ છોકરાંને સ્કૂલે મોકલવાનું કેમ બંધ કર્યું ? તાત્કાલિક બદલીના આદેશ

2026-09-24 09:25:00
Author: Mumbai Samachar Team
ગુજરાતના આ ગામમાં શિક્ષિકા સામે આક્રોશઃ લોકોએ છોકરાંને સ્કૂલે મોકલવાનું કેમ બંધ કર્યું ? તાત્કાલિક બદલીના આદેશ

ગીરગઢડાઃ શિક્ષણ એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. દરેક નાગરિક આ માટે હકદાર છે. ઘણીવાર એવું બને છે કે, શિક્ષકની બદલી થાય ત્યારે સૌથી વધારે ભોગવવાનો વારો વિદ્યાર્થીઓનો આવતો હોય છે. તો ક્યારેક શિક્ષકોની બદલી કરવામાં આવે એવું વાલીઓ જ ઈચ્છતા હોય છે. આવું જ ચિત્ર જોવા મળ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામની એક પ્રાથમિક શાળામાં, જ્યાં શિક્ષિકાની બદલી કરી દેવામાં આવતા ગ્રામજનોએ આ બદલીનો વિરોધ કર્યો અને બાળકોને સ્કૂલ મોકલવાનું બંધ કરી વિરોધ કર્યો. 

વાલીઓએ મોરચો માંડ્યો
વાલીઓએ પ્રાથમિક સ્કૂલ સામે મોરચો માંડી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષક ઉષાબેનની બદલી કરવામાં આવી હતી. લાંબા સમયથી શાળામાં ફરજ અદા કરતા ઉષાબેન સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એમની બદલી માટે સતત રજૂઆત કરવામાં આવી હતી. બદલીને લઈને કોઈ નક્કર પરિણામ ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરી દીધું હતું. આ શિક્ષક સ્કૂલમાં નિયમિત રીતે આવતા ન હતા. પરીક્ષાના સમયે હાજર રહેતા ન હતા. અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ દિવસ આવતા હતા. સોંપવામાં આવેલી જવાબદારી તેઓ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હતા. અભ્યાસ કરવાનું કામ વિદ્યાર્થીઓનું હોય છે પણ એમની પાસે સ્કૂલના બીજા કામ કરાવતા હતા. આવા બેજવાબદાર શિક્ષકની બદલી થાય એ માટે વાલીઓએ શાળામાં અનેક રજૂઆત કરી હતી. 

આખરે છૂટા કરી દેવાયા
સતત ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હતું. 19 ઓગસ્ટના રોજ શાળાના વાલીઓએ યોગ્ય તપાસ કરવા અંગે માગ કરી હતી. સમગ્ર કેસ જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચ્યો હતો. શિક્ષણવિભાગ દ્વારા એક્શન લેવામાં મોડું થતા તાલુકા શિક્ષણાધિકારી સહિત વાલીનો કાફલો સ્કૂલ સુધી દોડી ગયો હતો. વાલીઓએ પણ બાળકોને સ્કૂલમાં ન મોકલીને વિરોધ કર્યો હતો. શાળામાં તાળાબંધી કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા શિક્ષણાધિકારીએ ઉષાબેનની આખરે બદલી કરી નાંખી.  તાત્કાલિક આદેશથી એમને છૂટા કરી દેવામાં આવ્યા હતા.  શિક્ષિકા સામેની ફરિયાદોને પગલે તપાસ કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોના નિવેદનો લેવામાં આવ્યાં હતાં. તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો હતો.  આ પછી વાલીઓને સમજાવીને શાળામાં ફરી શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.