Fri Apr 17 2026

Logo

Video: ગુજરાતમાં ભાજપને હરાવવા કેજરીવાલે કાર્યકર્તાઓને શું શપથ લેવડાવ્યા?

2026-03-10 09:24:00
Author: Mumbaisamachar Team
Article Image

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ રણશિંગુ ફૂંક્યું હતું. સુરતમાં AAPનું દક્ષિણ ઝોન ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાંથી ભાજપને હરાવવા કાર્યકર્તાઓને શપથ લેવડાવ્યા હતા.

કેજરીવાલે બીજું શું કહ્યું

અરવિંદ કેજરીવાલે કહ્યું, ગુજરાતના યુવાઓ રોજગાર માંગવા જાય છે તેમના હાથમાં નશો અને દારૂની બોટલો પકડાવી દેવામાં આવે છે. કેટલાય પરિવારોના બાળકોએ ઝેરી દારૂને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 12 પુલ પડી ગયા અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા, હવે તો સરકાર બદલો.
 

આ ઉપરાંત તેમણે કહ્યું, પંજાબમાં આમ આદમી પાર્ટી દર મહિને 300 યુનિટ વીજળી મફત આપે છે, ખેડૂતોને દિવસે વીજળી આપે છે, દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની સ્વાસ્થય સુવિધા મફત આપે છે. ગુજરાતમાં પણ આવી સુવિધાઓ માટે ભાજપને હટાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો.

 

કેજરીવાલે કહ્યું, મેં ગુજરાતના અનેક ગામોની મુલાકાત લીધી છે. ગયા વર્ષે ચોમાસા દરમિયાન સુરતની જે તસવીરો આખા દેશમાં ટીવી પર આવી હતી તે ભયાનક હતી. થોડો વરસાદ પડે એટલે સુરતમાં ઘરે-ઘરે પાણી ભરાઈ જાય છે. આખા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મોટા-મોટા અમીરોનાં બેડરૂમ અને ડ્રોઈંગરૂમ સુધી પાણી પહોંચી જાય છે. 30 વર્ષના શાસનનું આ પરિણામ છે! હર્ષ સંઘવી પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સી.આર. પાટીલ પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું.

ગોપાલ ઈટાલીયાએ કહ્યું, કલેક્ટરોને 5 લાખ ખવડાવો, એસપી-ડીએસપીને ખવડાવો એટલે તમેય જાણો છો ને હુંય જાણું છું કે કેવું કામ કરવા માંડે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઈજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપવાળાને કે એને ત્યાં નોકરી કરતા બે-ચાર સાહેબોને ખવડાવી-પીવડાવીએ તોય આપણું બહુ વજન પડ્યા કરે.