Fri Apr 17 2026

Logo

મોદીજી, આપણે શાંતિ માટે પહેલ કરવી જોઈએ, અણ્ણા હજારેનો વડા પ્રધાનને પત્ર

2026-03-07 19:13:39
Author: Vipul Vaidya
Article Image

અહિલ્યાનગર: વિશ્ર્વનું ધ્યાન હાલમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ પર કેન્દ્રિત છે અને દરેક વ્યક્તિ યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યું છે. આ યુદ્ધના પરિણામો વૈશ્ર્વિક સ્તરે અનુભવાઈ રહ્યા છે અને હજારો નાગરિકોનાં મોત થયાં છે. ભારતે પણ યુદ્ધના સંદર્ભમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને યુદ્ધ બંધ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામતી માટે ફોન પર સંબંધિત નેતાઓનો સંપર્ક પણ કર્યો હતો. આ દરમિયાન, હવે વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં શાંતિ માટે પહેલ કરવા ભારતને વિનંતી કરી છે.

વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિશ્ર્વના વિવિધ દેશોમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત શાંતિ માટે પહેલ કરે તેવી માગણી કરી છે. અણ્ણા હજારેએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે વિશ્ર્વભરમાં ચાલી રહેલા સંઘર્ષોની સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકો પર ગંભીર અસર પડી રહી છે.

ભારતની સંસ્કૃતિ અહિંસા અને શાંતિની છે, અને ભારતે વિશ્ર્વ સમક્ષ સંવાદ અને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ, એમ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. યુદ્ધ વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે સંવાદ સ્થિરતા અને સંતોષ તરફ દોરી જાય છે. તેથી, અણ્ણા હજારેએ આશા વ્યક્ત કરી છે કે ભારત તટસ્થ અને જવાબદાર ભૂમિકા ભજવે અને વૈશ્ર્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરવા માટે પહેલ કરે.