અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 39 દિવસથી ચાલી રહેલા ભીષણ જંગની અસર હવે વિશ્વના ખૂણેખૂણે વર્તાઈ રહી છે. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે ઉભા થયેલા સંકટને કારણે અનેક દેશો ચિંતિત છે, જેમાં ભારત પણ બાકાત નથી. દેશમાં રાંધણ ગેસ (LPG) ની અછતની આશંકાઓ વચ્ચે ભારત સરકાર તરફથી એક અત્યંત સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. દરિયાઈ માર્ગે ફસાયેલા ભારતીય જહાજો હવે સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે, જે ભારતીય બજારમાં ઈંધણની તંગીને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે માહિતી આપી છે કે છેલ્લા બે દિવસમાં LPG ભરેલા બે મહત્વના ભારતીય જહાજોએ અત્યંત સંવેદનશીલ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) ને સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. 'ગ્રીન સંઘવી' અને 'ગ્રીન આશા' નામના આ બંને જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે યુદ્ધને કારણે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો હતો, પરંતુ ભારતીય ધ્વજ ધરાવતા આ જહાજો કોઈપણ અડચણ વગર નીકળવામાં સફળ રહ્યા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ પર્શિયન ગલ્ફ વિસ્તારમાં અત્યારે ભારતની માલિકીના કુલ 16 જહાજો હાજર છે, જેમાં 433 જેટલા ભારતીય નાવિકો સવાર છે. આ તમામ નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. આ 16 જહાજોમાં 1 LNG જહાજ, 2 LPG જહાજ, 6 ક્રૂડ ઓઈલના ટેન્કરો, 1 કેમિકલ જહાજ અને 2 બલ્ક કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. ભારત સરકાર સતત વિદેશ મંત્રાલય અને દરિયાઈ એજન્સીઓના સંપર્કમાં છે જેથી આ જહાજોના સંચાલનમાં કોઈ મુશ્કેલી ન આવે.
એવી અટકળો વહેતી થઈ હતી કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા માટે ભારત ઈરાન સરકારને કોઈ વધારાની ફી કે લેવી (Levy) ચૂકવી રહ્યું છે, પરંતુ મુકેશ મંગલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આવી કોઈ પણ વાતચીત ભારત અને ઈરાન વચ્ચે થઈ નથી. વધુમાં, 'ગ્રીન સંઘવી' જહાજ 7 એપ્રિલના રોજ અને 'ગ્રીન આશા' 9 એપ્રિલના રોજ ભારત પહોંચે તેવી પૂરી શક્યતા છે. સરકાર આ દરિયાઈ માર્ગ પર ચાંપતી નજર રાખી રહી છે જેથી દેશમાં ઉર્જા પુરવઠો ખોરવાય નહીં.