Fri Apr 17 2026

Logo

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત, અમદાવાદમાં BRTSએ લીધો સગીરનો ભોગ

2026-03-20 13:28:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે  અમદાવાદમાં BRTSએ સગીરનો ભોગ લીધો હતો.

જીવલેણ અકસ્માતનો પ્રથમ બનાવ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બન્યો હતો. ચોટીલા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. જ્યારે ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માત એટલો ભીષણ હતો કે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ત્રણ વાહન એક પછી એક એકબીજા સાથે ભટકાતાં ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૈત્રી નવરાત્રી નિમિત્તે અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે, ચોટીલાથી સાત કિલોમીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી.

અકસ્માતનો બીજો બનાવ અમદાવાદ શહેરમાં બન્યો હતો. સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં સગીર મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે,જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક  સગીર મોપેડ લઈને જતો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરને પગલે સગીરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સગીરે દમ તોડ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે,  અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો. તેમજ તેનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.