ભુજઃ રણપ્રદેશ કચ્છમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી બે અલગ-અલગ ગંભીર બેદરકારીઓ સામે આવી છે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા પાડવામાં આવેલી સરપ્રાઈઝ રેઈડમાં સડેલાં શાકભાજી અને ભારે ગંદકી પકડાતાં ભારે હોબાળો મચી ગયો છે. બીજી તરફ, ભુજ નજીક માધાપરમાં યોજાયેલા નાના યક્ષ જખદાદાના લોકમેળામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરીને 49 જેટલા ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજ્યવ્યાપી અભિયાન
એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘સ્ટુડન્ટ રેઈડ’ અભિયાન હેઠળ કાર્યકરોએ કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલ મેસમાં અચાનક છાપો માર્યો હતો. તપાસ દરમિયાન હોસ્ટેલના રસોડા અને સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં બગડેલાં તેમજ સડેલાં શાકભાજી મળી આવ્યાં હતાં. રસોઈ વિભાગમાં અત્યંત અસ્વચ્છતા અને છાત્રો માટે શુદ્ધ પીવાના પાણીનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાં સામે એબીવીપીએ કચ્છ યુનિવર્સિટી વહીવટી તંત્ર અને હોસ્ટેલ વોર્ડન સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંગઠને મેસના કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક પગલાં ભરવા, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપવા અને ફૂડ વિભાગ દ્વારા નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરાવવાની માંગણી કરી છે.
કેમ્પસમાં તાળાબંધની ચિમકી
સહસંયોજક શૈલેશભાઈ પરમારે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો કેમ્પસમાં તાળાબંધી કરાશે. સમગ્ર મામલે કુલસચિવ ડૉ. અનિલ ગોરે જણાવ્યું હતું કે, રેક્ટર સમિતિ પાસેથી તાકીદે અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને અહેવાલના આધારે કસૂરવારો સામે કડક પગલાં લેવાશે. બીજી તરફ, ભુજ તાલુકાના માધાપર ખાતે ભરાયેલા પરંપરાગત નાના યક્ષના મેળામાં મુલાકાતીઓના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલની ટુકડીએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ મેળામાં પાણીપુરીના ગલ્લા, ચાટ-દાબેલી, ચાઈનીઝ, ફાસ્ટફૂડ તેમજ ઠંડાપીણાનું વેચાણ કરતી ૪૯ પેઢીઓ અને સ્ટોલ પર ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસી હતી.
કડક સૂચના અપાઈ
તપાસ દરમિયાન આરોગ્ય માટે જોખમી એવા 17 કિલો સડેલા અને બગડેલા બટેટા, 2 લિટર જેટલો હાનિકારક સિન્થેટિક ફૂડ કલર,ખાદ્યપદાર્થો પીરસવા માટે વપરાતો પ્રતિબંધિત અખબારનો જથ્થો સહીત આ તમામ બિનઆરોગ્યપ્રદ ચીજો જપ્ત કરી સ્થળ પર જ તેનો વિધિવત નાશ કરાયો હતો. ફૂડ વિભાગના અધિકારીઓએ તમામ સ્ટ્રીટફૂડ વિક્રેતાઓને એફએસએસએઆઈના હાઈજિન ધોરણોનું ચુસ્તપણે પાલન કરવાની કડક તાકીદ પણ કરી હતી.
ઉત્સવ વૈદ્ય