Sat Apr 25 2026

Logo

પીએમ નરેન્દ્ર મોદીના આક્ષેપો બાદ મમતા બેનર્જીનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું

2026-04-25 11:10:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પાર્ટીઓએ આક્ષેપોનો દોર શરૂ કર્યો છે. નેતાઓ દ્વારા સતત એકબીજા પર આક્ષેપો-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે અત્યારે ડેરો જમાવી લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીએમસી અને મમતા બેનર્જી પર અનેક આક્ષેપો લગાવ્યાં હતાં. તેવામાં હવે મમતા બેનર્જી પણ પીએમ મોદીના એક નિવેદનને લઈને ભડકી ગયાં છે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. 

જાદવપુર યુનિવર્સિટી અંગેના નિવેદન પર મમતાનો વળતો પ્રહાર

વડા પ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટી અંગે જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે મમતા બેનર્જીએ જવાબ આપ્યો છે. જાદવપુર યુનિવર્સિટી પર નિવેદન આપ્યું તેના કારણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન નારાજ થયાં છે અને વળતો વાક્ પ્રહાર કર્યો છે. મમતાએ જણાવ્યું કે, આવી ટિપ્પણીઓના કારણે પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને ખરડાય છે અને વિદ્યાર્થીઓને અરાજક તરીકે લેબલ કરવા ખોટું છે. વધુમાં જાદવપુર યુનિવર્સિટી તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત છે, અને તેના વિદ્યાર્થીઓનું અપમાન કરવું એ શિક્ષણની ભાવનાની વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લોકશાહીનો અભિન્ન ભાગ ગણાવતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રશ્નો ઉઠાવવા એ અરાજકતાની નિશાની નથી, પરંતુ જાગૃતિનો સંકેત છે.

પીએમ મોદીએ કેવો આરોપ લગાવ્યો હતો?

પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળની યુનિવર્સિટી અરાજકતાનું પ્રતીક બની ગઈ છે અને ત્યાં સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણની જરૂર છે. જેથી વળતો જવાબ આપતા મમતાએ કહ્યું કે, જાદવપુર યુનિવર્સિટીએ ભારત સરકારના NIRFમાં સતત ટોચનું રેન્કિંગ મેળવ્યું છે. આ સંસ્થા તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત છે. તેના વિદ્યાર્થીઓનું અપમાન કરવું એ યોગ્યતા, શિષ્યવૃત્તિ અને શિક્ષણની ભાવનાનું અપમાન કરવા સમાન છે.