Fri Apr 17 2026

Logo

આકર્ષક વળતરની લાલચે 12 રોકાણકાર સાથે 1.78 કરોડની છેતરપિંડી...

2026-02-27 18:12:30
Author: Yogesh C Patel
Article Image

થાણે: શૅરબજારની સ્કીમમાં રોકાણ કરવા પર ઊંચું વળતર મળવાની ખાતરી આપી 12 રોકાણકાર સાથે 1.78 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ થાણે પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મુંબઈના ભાંડુપ પરિસરમાં રહેતી મહિલાની ફરિયાદને આધારે પોલીસે સાગર સુબોધ કરીવડેકર અને સચિન બાળકૃષ્ણ રાણે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 316(2) તેમ જ એમપીઆઈડી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સાગર સિંધુદુર્ગ અને સચિન થાણેનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી 15 ઑક્ટોબર, 2021 અને 30 ડિસેમ્બર, 2025 દરમિયાન થઈ હતી. શૅર માર્કેટની સ્કીમમાં રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતર અપાવવાની ખાતરી આરોપીએ આપી હતી. આરોપીએ ફરિયાદી અને અન્ય 11 જણ પાસેથી આ રકમ પડાવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે માત્ર ફરિયાદીએ જ 26 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં આરોપી રોકાણકારોને વળતર ચૂકવી શક્યો નહોતો. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ફરિયાદી અને અન્યો સાથે 1.78 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શુક્રવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)