Fri Apr 17 2026

Logo

સુરતમાં ભાજપના મંત્રીની ફેસબુક પોસ્ટથી ખળભળાટ, કહ્યું- "જાતિવાદ અને જિલ્લાવાદને વંદન"

2026-04-11 19:32:12
Author: Devayat Khatana
Article Image

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આપવામાં આવેલી ટિકિટના મુદ્દે કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાના અહેવાલ છે. ત્યારે સુરતમાં ભાજપના મંત્રીએ ફેસબૂક પર કરેલી પોસ્ટની ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં ભાજપ પર જાતિવાદ અને જિલ્લાવાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામોને લઈને અનેક કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે સુરત ભાજપના મહામંત્રી બિપિન પટેલ (ગાયત્રી) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક સૂચક પોસ્ટ મૂકીને પક્ષની શિસ્ત પર સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

બિપિન પટેલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "જિલ્લાવાદ અને જાતિવાદને વંદન". આ પોસ્ટ દ્વારા તેમણે પરોક્ષ રીતે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં ટિકિટની વહેંચણી લાયકાતના બદલે જ્ઞાતિ સમીકરણો અને ચોક્કસ જિલ્લાના પક્ષપાતના આધારે કરવામાં આવી છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ભાજપના શિસ્તબદ્ધ માળખામાં ભડકો જોવા મળી રહ્યો છે.

આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિભાવો પણ મળી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટમાં "સાથે સાથે પરિવાર વાદ પણ લખી જ લેવા નું હતું મિત્ર" એવું લખ્યું હતું.  તો કોઈએ લખ્યું છે કે "કામ કરતા વ્યક્તિઓની ભાજપને જરૂર નથી, દેખાવો કરે એવા વ્યક્તિની જરૂર છે". અન્ય એક કાર્યકરે કટાક્ષમાં જણાવ્યું કે આ બધું છેલ્લા ૨૦ વર્ષથી ચાલી રહ્યું છે. ટિકિટ ફાળવણીના અંતિમ દિવસે ભાજપના જ જવાબદાર હોદ્દેદાર દ્વારા પક્ષ વિરુદ્ધ કરાયેલા આ 'માર્મિક ટોણા' એ વિરોધ પક્ષોને પણ બેઠું ભાથું પૂરું પાડ્યું છે.