Fri Apr 17 2026

Logo

શેરબજારમાં શું તેજીનો ખેલ ખતમ? કાલે મોટો કડાકો પડશે?

2026-03-26 20:19:38
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

મુંબઇ: એકાદ મહિનાથી ચાલી રહેલા અખાતી યુદ્ધમાં રોકાણકારોની સંપત્તિમાં ભારેભરખમ નુકસાન થયું છે અને તેમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરીને શેરબજારને રાહત આપી હતી. ટ્રમ્પની ધડમાથા વગરની વાતનો ખુલાસો ઇરાનના જવાબ દ્વારા લગભગ તરત જ તઇ ગયો હોવા છતાં  છતાં તર્કથી વિપરીત શેરબજારમાં બે દિવસ સારો સુધારો જોવા મળ્યો અને બે સત્રમાં ૨૬૦૦ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો.

જોકે હવે બે દિવસની તેજીની પાર્ટીનો શુક્રવારે અંત આવી જાય તેમ જ નિફ્ટી ૧૦૦થી ૧૨૦ પોઇન્ટના નીચા ગેપ સાથે શરૂઆત કરે એવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. રામ નવમીના નિમિત્તે ગુરુવારે એનએસઇ અને બીએસઇ બંને એક્સચેન્જ બંધ રહ્યા હતા, જોકે, ગુરુવારે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સમાં જોવા મળેલા ૧૦૦ પોઈન્ટથી મોટા કડાકાને આધારે અમુક ચાર્ટિસ્ટ એવી આગાહી કરી રહ્યા છે કે, નિફ્ટી ૧૧૦ પોઈન્ટ અથવા લગભગ ૦.૫૦ ટકાના કડાકા સાથે ૨૩,૧૭૦ની સપાટીએ શુક્રવારે ટ્રેડિંગ ફરી શરૂ  કરે એવી સંભાવના છે.

એકંદરે શુક્રવારે ભારતીય બજારો માટે નબળા ઓપનિંગનો સંકેત આપે છે. શેરબજાર સાથે શુક્રવારે સોનાચાંદીના ભાવમાં પણ મોટા કડાકાની સંભાવના છે. પશ્ર્ચિમ એશિયાનું યુદ્ધ શાંત થવાની આશા વચ્ચે ક્રૂડના ભાવમાં ઝડપી ઘટાડો આવતા બુધવારે સતત બીજા દિવસે આગેકૂચ રહી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાનના એનર્જી સ્ટ્રકચર પરના હુમલા પાંચ દિવસ સુધી બંધ રાખવા કરવામાં આવેલી જાહેરાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં આવેલો સુધારો આગળ વધ્યો હતો, જેમાં સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટ વધ્યો હતો અને નિફ્ટી ૨૩,૩૦૦ની ઉપર પહોંચ્યો હતો. પાછલા સત્રમાં મંગળવારે સેન્સેક્સ ૧,૩૭૨.૦૬ પોઈન્ટ અને નિફ્ટી ૩૯૯.૭૫ પોઈન્ટ ઊછળ્યો હતો.

અખાતી દેશોમાં યુદ્ધને બ્રેક લાગવાની આશા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૫.૨ ટકાના ઝડપી કડાકા સાથે ૧૦૦ ડોલરની અંદર ઉતરીને બેરલદીઠ ૮૪.૯૭ બોલાયું હોવાથી સેન્ટિમેન્ટમાં પણ ઝડપી સુધારો જોવા મળ્યો હતો. જોકે હવે તેમાં ઉછાળો આવ્યો છે અને તે ફરી ૧૧૦ ડોલરની ઉપર પહોંચી ગયું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી આવેલા ઉછાળાને કારણે આ ઇક્વિટી માર્કેટ્સમાં પણ ફરી ઘટાડો થયો છે. ઇક્વિટી બજારોએ મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાની શક્યતાઓનું ફરીથી મૂલ્યાંકન કર્યું હતું. ઈરાને કહ્યું છે કે તે હજુ પણ વૈશ્ર્વિક ઉર્જા પ્રવાહને વિક્ષેપિત કરનારા સંઘર્ષને સમાપ્ત કરવાના હેતુથી યુએસ દરખાસ્તની સમીક્ષા કરી રહ્યું છે. વાસ્તવમાં તો અમેરિકાની નવા વધુ આક્રમક હુમલાઓની તૈયારી જોતાં એવી ધમકી આપી છે કે જો અમેરિકા ઠેકાણે ના રહ્યું તો તે હાર્મુઝ સાથે બાબલમંડલનો રૂટ પણ બ્લોક કરી દેશે!

દરખાસ્તની સમીક્ષા કરવા છતાં, ઈરાનના વિદેશ પ્રધાને બુધવારે સ્પષ્ટ કર્યું કે દેશ વધતા જતા સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટોમાં પ્રવેશવાનો ઇરાદો ધરાવતો નથી. તે જ સમયે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટના જણાવ્યા અનુસાર યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો તેહરાન લશ્કરી મોરચે પરાજિત થયું છે એવું સ્વીકારવામાં નિષ્ફળ રહેશે, તો વોશિંગ્ટન દબાણ વધારશે. આમ સંઘર્ષ વધવાની ધારણા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી સાંજે જાહેર કર્યું હતું કે તેમણે વોર ડિપાર્ટમેન્ટને ઈરાની પાવર પ્લાન્ટ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પરના તમામ લશ્કરી હુમલાઓને પાંચ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો છે અને યુદ્ધવિરામ વાટાઘાટોનો સંકેત આપ્યો છે. ઇઝરાયલના મિડિયા તરફથી ઇરાનના નેતા મોઝતબાએ સીઝફાયરની તૈયારી બતાવી હોવાના અહેવાલોને કારણે સેન્ટિમેન્ટમાં આશાવાદ જોવા મળ્યો છે. અમેરિકાએ ઇરાન સમક્ષ ૧૫ મુદ્દા અથવા શરતો સાથેનો શાંતિ પ્રસ્તાવ મૂક્યો હોવાનો પણ દાવો કર્યો છે. જોકે, ઇઝરાયલે હજુ સીઝફાયરનો સંકેત આપ્યો નથી અને ઇરાને પણ આ પ્રકારની કોઇ વાટાઘાટો ચાલી રહી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ઇરાને હોર્મુઝની અખાત ઓપન કરવા માટે કેટલીક આકરી શરતો મૂકી છે અને અત્યારે અમેરિકા નબળું પડી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.