ચેન્નઈઃ અમેરિકા (USA)એ ટી-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ-એમાં ચારેય લીગ મૅચ પૂરી કરી છે અને એમાંથી રવિવારે બીજી મૅચ જીતવાની સાથે સુપર-એઇટની આશા જીવંત રાખી હતી. અમેરિકાના વિજય વખતે ભારત અને પાકિસ્તાન બન્નેના ચાર-ચાર પૉઇન્ટ હતા અને એમની જેમ અમેરિકાના પણ ચાર પૉઇન્ટ થઈ ગયા હતા. જોકે રનરેટમાં ત્યારે અમેરિકા બન્નેથી પાછળ હતું. અમેરિકાએ નામિબિયાને 31 રનથી હરાવ્યું હતું.
ચેન્નઈ (CHENNAI)માં રવિવારે અમેરિકાને ભારતીય મૂળના ખેલાડી સંજય ક્રિષ્નમૂર્તિ (68 અણનમ, 33 બૉલ, છ સિક્સર, ચાર ફોર)એ જિતાડ્યું હતું. આ જીતમાં કૅપ્ટન અને ઓપનર મોનાંક પટેલ (બાવન રન, 30 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું પણ મોટું યોગદાન હતું.

અમેરિકાએ પ્રથમ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન કર્યા એના જવાબમાં નામિબિયાની ટીમે અમેરિકાને લડત આપી હતી અને પૂરી 20 ઓવર સુધી બૅટિંગ કરી હતી અને છ વિકેટે 168 રન કર્યા હતા. જોકે ઓપનર લૉરેન સ્ટીનકૅમ્પ (58 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી.
મિડલ-ઑર્ડર બૅટ્સમૅન જેજે સ્મિટે (31 રન, 23 બૉલ, એક સિક્સર, એક ફોર)નું પણ યોગદાન પાણીમાં ગયું હતું. અમેરિકા વતી પેસ બોલર શેડ્લી સ્કૉલવીકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. સંજય (SANJAY)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.