Fri Apr 17 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગૌમાતા પોષણ યોજનાનો લાભ વધુ પાંજરાપોળ-ગૌશાળાને મળશે

2026-03-14 18:02:00
Author: chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાત સરકારે  પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉમદા નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી  જીતુ વાઘાણીએ  જણાવ્યું હતું કે, " મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના"  હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કુલ રૂ. 1364 કરોડ જેટલી  રકમની સહાય

તેમણે વધુ  માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2022 -23 માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યની પાંજરાપોળ-ગૌશાળાને પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. 30 ની આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ 2022 -23 થી સપ્ટેમ્બર-2025  સુધીમાં રાજ્યની 1600 થી વધુ સંસ્થાઓના 4.50  લાખથી વધુ પશુઓ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. 1364 કરોડ જેટલી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.

ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો

આ યોજનાના નિયમ મુજબ, જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા.  31-03-2022  પહેલા થઈ હોય તેમને જ આ સહાય મળવાપાત્ર હતી. નાણાકીય વર્ષ 2023-24 પછી નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને આ સહાય ન મળતી હોવાથી રાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાઓની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉદાર અભિગમ દાખવી ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યની વધુ 100 જેટલી ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ થશે  

હવે આગામી નાણાકીય વર્ષ એટલે કે, તા. 01-04-2026 થી, જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા.  30-06-2025  સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. નોંધણીની સમયમર્યાદા વધારવાના કારણે રાજ્યની વધુ 100 જેટલી ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ સુધારાથી અંદાજે રૂ. 10 કરોડ જેટલી વધારાની સહાય આ સંસ્થાઓ દ્વારા નિભાવવામાં આવતા પશુઓ માટે ચૂકવવામાં આવશે. 

પશુપાલન મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા પશુઓની જાળવણીની જે સેવાભાવી પ્રવૃત્તિ થાય છે, તેને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે.