સુરતઃ પ્રેમ આંધળો હોય છે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. મધ્ય પ્રદેશની 21 વર્ષીય યુવતી અને રાજકોટનો 17 વર્ષીય સગીર ઈન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમમાં પડ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ બની ગયા હતા કે સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. યુવતી તેના સગીર પ્રેમીને મળવા સુરત પહોંચી હતી. જોકે બંને ભાગી જાય તે પહેલા જ સુરત રેલવે સ્ટેશનથી બંને ઝડપાઈ ગયા હતા.
ઈન્સ્ટાગ્રામથી મિત્ર બન્યા
પોલીસે જણાવ્યું કે, મધ્ય પ્રદેશની 21 વર્ષીય યુવત અને રાજકોટના વીરપુરનો 17 વર્ષીય સગીર દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામથી મિત્ર બન્યા હતા. યુવતીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, પહેલા ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો હતો અને બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા. જ્યારે તેના પરિવારજનોને ખબર પડી ત્યારે તેના લગ્ન અન્યત્ર નક્કી કરી દીધા હતા.
6 માર્ચ, 2026ના રોજ સગીર પ્રેમી સાથે લગ્ન કરવાના ઈરાદે તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકલીને મુંબઈ પહોંચી હતી. મુંબઈથી તે સુરત આવી હતી. જ્યાં રેલવે પોલીસ તેને ઝડપી પાડી હતી.
લગ્નના ઈરાદે સગીરને ઘરેથી લઈને ભાગી યુવતી
સોશિયલ મીડિયા પર પ્રેમ પાંગર્યા બાદ બંને દરરોજ કલાકો સુધી એક બીજા સાથે વાત કરતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. લગ્ન કરવા અધીરી બનેલી યુવતી કાયદાની અવગણના કરીને લગ્ન કરવાના ઈરાદે 6 માર્ચે સગીરને ઘરેથી લઈને ભાગી ગઈ હતી. ઘણો સમય થવા છતાં સગીર ઘરે ન પહોંચતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ રીતે સુરતથી ઝડપાયા પ્રેમી પંખીડા
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ અન તેમની ટીમ પ્લેટફોર્મ નંબર 1 પર હતી ત્યારે તેમને બંને પર શંકા ગઈ હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરવા પર હકીકત સામે આવી હતી. સગીર લાપતા થતાં તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જેથી સુરત રેલવે પોલીસે તાત્કાલિક રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો.
9 માર્ચે રાજકોટ પોલીસ સુરત પહોંચી હતી. સુરત પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી કરીને સગીર અને યુવતીને રાજકોટ પોલીસને સોંપી દીધા હતા. સુરત પોલીસની સતર્કતાને કારણે સગીર તેના પરિવારને હેમખેમ મળી આવ્યો હતો.