ઍડિલેઇડઃ ભારત (India)ની મહિલા ક્રિકેટ ટીમે અહીં યજમાન ઑસ્ટ્રેલિયા (Australia)ને ત્રણ મૅચની ટી-20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મૅચમાં 17 રનથી હરાવીને શ્રેણી (Series) 2-1થી જીતી લીધી હતી. ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો ઘરઆંગણે કોઈ ફૉર્મેટની સિંગલ સિરીઝમાં પરાજિત થઈ હોય એવું 2017 બાદ (છેલ્લાં નવ વર્ષમાં) પહેલી જ વખત બન્યું છે. ભારતે છ વિકેટે 176 રન કર્યા પછી ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતીય બોલર્સના એકધારા આક્રમણ વચ્ચે 20 ઓવરમાં નવ વિકેટે 159 રન કરી શકી હતી.
સ્મૃતિનાં 82 રન અને જેમિમાનાં 59
પ્લેયર ઑફ ધ મૅચ ઓપનર સ્મૃતિ મંધાના (82 રન, પંચાવન બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) અને જેમિમા રૉડ્રિગ્સ (59 રન, 46 બૉલ, ચાર ફોર)ની હાફ સેન્ચુરી બાદ બે સ્પિનર શ્રેયંકા પાટીલ (બાવીસ રનમાં ત્રણ વિકેટ) તથા શ્રી ચરની (32 રનમાં ત્રણ વિકેટ)ની જોડીએ તરખાટ મચાવ્યો હતો. શ્રેયંકાને આ મૅચમાં પેસ બોલર ક્રાંતિ ગૌડના સ્થાને રમાડવામાં આવી હતી. પેસ બોલર અરુંધતી રેડ્ડી (35 રનમાં બે વિકેટ)નું પણ જીતમાં મોટું યોગદાન હતું, કારણકે તેણે યજમાન ટીમમાં સૌથી વધુ 57 રન બનાવનાર ઍશ્લેઇ ગાર્ડનર અને 12 રન કરનાર જ્યોર્જિયા વેરમની મહત્ત્વની વિકેટ લીધી હતી. જેમિમાએ ડીપ મિડવિકેટ પર ગાર્ડનરનો અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. એક વિકેટ પેસ બોલર રેણુકા ઠાકુરે પણ મેળવી હતી. તેણે પીઢ ખેલાડી અને વિકેટકીપર બેથ મૂની (છ રન)ને વહેલી પૅવિલિયન ભેગી કરી હતી.
BCCI
સ્મૃતિ-જેમિમાએ મિતાલી-પૂનમનો વિક્રમ તોડ્યો
એ પહેલાં, ભારતે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 176 રન કર્યા હતા. શેફાલી વર્મા માત્ર સાત રન, વિકેટકીપર રિચા ઘોષ 18 રન બનાવીને આઉટ થઈ હતી. એ પહેલાં સ્મૃતિ-જેમિમાની જોડીએ 82 બૉલમાં 121 રનની ભાગીદારી કરી હતી. ટી-20માં આ પહેલાં ભારતીય મહિલાઓમાં મિતાલી રાજ અને પૂનમ રાઉતનો બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારીનો વિક્રમ હતો જે સ્મૃતિ-જેમિમાએ તોડ્યો છે.
BCCI
ઉપરાઉપરી બૉલમાં બે ભારતીય રનઆઉટ
અમનજોત કૌર (એક રન) અને દીપ્તિ શર્મા (એક રન) ઇનિંગ્સની 20મી ઓવરના અનુક્રમે પાંચમા અને છઠ્ઠા બૉલ પર રનઆઉટ થતાં દાવને રોમાંચક અંત મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.