Fri Apr 17 2026

Logo

ટી-20 વર્લ્ડ કપનો હિસાબ-કિતાબઃ ભારતનો 7-1નો રેશિયો રવિવારે બનશે 8-1..

Colombo   2026-02-14 22:18:15
Author: ajaybhai motiwal
Article Image

સાંજે 6.30 વાગ્યે ટૉસ અને 7.00 વાગ્યે પ્રથમ બૉલ ફેંકાશેઃ અભિષેક રમશે

કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટના મેદાન પરની ટક્કરની હંમેશાં અગાઉથી ખૂબ ગરમાગરમ ચર્ચા થતી હોય છે, પરંતુ હકીકત એ છે કે થોડા વર્ષોથી બન્ને પાડોશી દેશ વચ્ચે ખરાખરીના જંગ જેવું કંઈ છે જ નહીં, કારણકે વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત સામે પાકિસ્તાન તમામ આઠ મુકાબલા હાર્યું હોવાથી ભારત 8-0થી આગળ છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત 7-1થી અગ્રેસર છે અને હવે રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી લાઇવ) ભારતને ફરી એક વખત શાનદાર વિજય મેળવીને આ રેશિયો 8-1નો કરવાનો મોકો છે.

ભારત સાથે પાકિસ્તાનની ઘણી રીતે સરખામણી જેવું છે જ નહીં. ટી-20માં ભારત વર્લ્ડ નંબર-વન છે, જ્યારે પાકિસ્તાન છેક છઠ્ઠા નંબરે છે. કહેવાય છેને કે જે દિવસે મૅચ હોય એ દિવસનો જ વ્યક્તિગત પર્ફોર્મન્સ સંબંધિત ટીમ માટે નિર્ણાયક બનતો હોય છે. જોકે યાદ અપાવવાની કે ટી-20માં વરુણ ચક્રવર્તી બોલર્સમાં વર્લ્ડ નંબર-વન, હાર્દિક ઑલરાઉન્ડર્સમાં નંબર-થ્રી અને અભિષેક શર્મા બૅટ્સમેનોમાં નંબર-વન છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટની બોલિંગમાં વર્લ્ડ નંબર-વન છે. પાકિસ્તાનનો અબ્રાર અહમદ ટી-20માં વર્લ્ડ નંબર-ટૂ બોલર અને સઇમ અયુબ વર્લ્ડ નંબર-ટૂ ઑલરાઉન્ડર છે.

2024ના વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં જે બૅટ્સમેનોએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 500 કે વધુ રન કર્યા છે એ તમામમાં અભિષેક શર્માનો 194.45નો સ્ટ્રાઇક-રેટ હાઇએસ્ટ છે. અભિષેેકની પેટની બીમારી દૂર થઈ ગઈ છે. તેણે શનિવારે પ્રૅક્ટિસ કરી હતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ બે વર્ષમાં દાવની પહેલી ઓવર્સમાં કુલ 15 વિકેટ લીધી છે જે વિક્રમ છે અને ભારતીય ઓપનર્સે તેની આ ખૂબી સામે સાવચેત રહેવાનું છે.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે/અર્શદીપ સિંહ, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કૅપ્ટન), સઇમ અયુબ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), બાબર આઝમ, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર)/ફખર ઝમાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન તારિક અને અબ્રાર અહમદ.

રવિવારે કોના મુકાબલા?

નેપાળ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ
(મુંબઈ, સવારે 11.00)

અમેરિકા વિરુદ્ધ નામિબિયા
(ચેન્નઈ, બપોરે 3.00)

ભારત-પાકિસ્તાન
(કોલંબો, સાંજે 7.00)