Fri Apr 17 2026

Logo

સેમિફાઈનલ પહેલા ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સિદ્ધિવિનાયકના શરણે, જુઓ વાયરલ વીડિયો

2026-03-04 16:38:00
Author: Tejas Rajpara
Article Image

મુંબઈ: ટી20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલ 5 માર્ચ, ગુરુવારના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આમને-સામને ટકરાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. આ મેદાન પરની ઉત્તેજના અને પ્રેક્ષકોનો ઉત્સાહ જોતા આ મેચ રોમાંચક રહેવાની પુરી શક્યતા છે.

આ મહત્વપૂર્ણ સેમીફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આધ્યાત્મિક શાંતિ અને વિજયના આશીર્વાદ મેળવવા માટે ભગવાનના શરણે પહોંચ્યા હતા. અક્ષર પટેલ, ઈશાન કિશન અને અભિષેક શર્મા મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપર-8ની છેલ્લી મેચ પહેલા પણ કેટલાક ખેલાડીઓ કોલકાતામાં કાલિઘાટ કાલી મંદિરના દર્શને પહોંચ્યા હતા.

ભારતની સેમીફાઈનલ સુધીની સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે, ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. ઝિમ્બાબ્વે સામે 72 રને મોટી જીત અને વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટે વિજય મેળવીને ભારતે સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી હતી.

ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલ સુધી પહોંચાડવામાં સંજુ સેમસનની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં સંજુએ માત્ર 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 97 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત, ગ્રુપ સ્ટેજમાં પણ ભારતે શાનદાર દેખાવ કર્યો હતો. અમેરિકા (29 રન), નામીબિયા (93 રન), પાકિસ્તાન (61 રન) અને નેધરલેન્ડ્સ (17 રન) સામે સતત ચાર જીત નોંધાવીને ભારતે ગ્રુપ સ્ટેજમાં ક્લીન સ્વીપ કર્યું હતું.