Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા કોને કોને લાગુ નહીં પડે ?

2026-03-19 11:53:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે રચાયેલી જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતા હેઠળની સમિતિએ અહેવાલ સોંપ્યા બાદ  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેનો સ્વીકાર કરાયો હતો. આ અહેવાલના આધારે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયકને મંજૂર કરી આગામી મંગળવારે વિધાનસભામાં સર્વગ્રાહી ચર્ચા માટે રજૂ કરાશે.

સમાન નાગરિક સંહિતા કોને લાગુ નહીં પડે 

ગુજરાતમાં 15 ટકા અનુસૂચિત જનજાતિ (ST) તથા 6.74 ટકા વસતિ અનુસૂચિત જાતિ (SC)ની છે. 2011ની વસતિ ગણતરીના આંકડાપ્રમાણે સંખ્યાની દ્રષ્ટીએ વસતિ 89.17 લાખ તથા 40.74 લાખ વસતિ છે. તેમાં આદિવાસી (ST) સમાજના વિવિધ પ્રકારની પેટા જ્ઞાતિઓ મુજબ લગ્ન, છૂટાછેડા અને વારસાઇના રિવાજો છે. સમાન નાગરિકત સંહિતામાં આ બન્ને સમાજને કેવી રીતે સમાવાશે તેને અંગે અનેક પ્રકારના મતમતાંતરો પ્રવર્તતા હતા. જોકે, સૂચિત કાયદામાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે. અનુસૂચિત આદિજાતિ તથા વ્યક્તિઓના અમુક અન્ય સમુહ જૂથોને આ કાયદો લાગુ પડશે નહીં.

ઉપરાંત આ કાયદો જેમના રૂઢિગત અધિકારોને બંધારણ હેઠળ વિશેષ રૂપે રક્ષણ આપવામાં આવ્યું છે તેવા વ્યક્તિઓ કે જૂથોને પણ લાગુ નહીં પડે. આદિવાસી સમુદાયો, જે તેમની આગવી સામાજિક-સાંસ્કૃતિક પ્રણાલીઓ અને રૂઢિગત કાયદાઓ દ્વારા ઓળખાય છે, તેઓ અવારનવાર આ પ્રથાઓને તેમની ઓળખ અને સ્વાયત્તતાના અભિન્ન અંગ તરીકે જુએ છે. બિલ હેઠળ આપવામાં આવેલી મુક્તિ આ અધિકારોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે.

આ જૂથોને આ સંહિતાના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાથી, કલમ 4(1) હેઠળની ફરજિયાત એકપત્નીત્વ કે એકપતિત્વની શરત તેમને લાગુ પડશે નહીં. જે મુજબ લગ્ન સમયે બંને પક્ષોમાંથી કોઈનો પણ જીવનસાથી જીવિત ન હોવો જોઈએ. તેમના લગ્ન અને પારિવારિક બાબતો તેમના હાલના રિવાજો, પરંપરાઓ અને પર્સનલ લો દ્વારા સંચાલિત થવાનું ચાલુ રહેશે. આ જૂથોને તેમના બંધારણીય અને પરંપરાગત રિવાજોના રક્ષણ માટે બાકાત રાખવામાં આવ્યા છે.