નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા ગયા વર્ષે ટેસ્ટનો વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ) જીત્યું એ પહેલાં `ચૉકર્સ' (Chokers)નો ટૅગ એને લાગેલો હતો અને હવે સાઉથ આફ્રિકાને `ચૉકર્સ' તરીકે ઓળખાવવાનું બંધ થઈ ગયું છે, પરંતુ એ જ દેશના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન (Dale Steyn)નું એવું માનવું છે કે રવિવારે અમદાવાદમાં ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ જો ન્યૂ ઝીલૅન્ડ ન જીતે તો `ચૉકર્સ'નો બિલ્લો એને જ લગાવવો જોઈશે.
જોકે ડેલ સ્ટેને એવું પણ કહ્યું છે કે ભારતને એની જ ધરતી પર ફાઇનલમાં હરાવવું (ચૅમ્પિયનપદેથી ઉથલાવવું) અસંભવ જ કહી શકાય. ન્યૂ ઝીલૅન્ડ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. એણે ટ્રોફી માટે ફેવરિટ ગણાતા સાઉથ આફ્રિકાને ફાઇનલમાં નવ વિકેટે કચડી નાખ્યું હતું. બીજી બાજુ, ભારતે સેમિમાં ઇંગ્લૅન્ડ સામે સાત રનથી વિજય મેળવ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડ 2019માં વન-ડે વર્લ્ડ કપની, 2021માં ટી-20 વર્લ્ડ કપની અને 2025માં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્રણેય વખત ટાઇટલ નહોતું જીતી શક્યું. કિવીઓ 2000માં આઇસીસી નૉકઆઉટ ટ્રોફી જીત્યા ત્યાર બાદ કુલ આઠ આઇસીસી ફાઇનલમાં પહોંચ્યા છે જેમાંથી એક જ વખત ટાઇટલ જીત્યા છે અને એ ટાઇટલ 2021ના ટેસ્ટના વર્લ્ડ કપનું હતું.
ડેલ સ્ટેને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી એબી ડિવિલિયર્સ સાથેની વાતચીતમાં કહ્યું, `ઘણાને હજી પણ સાઉથ આફ્રિકનોને ચૉકર્સ કહેવાનું મન થઈ રહ્યું હશે, પણ હું કહું છું કે અમારા કરતાં પણ વધુ વખત ફાઇનલ્સમાં પહોંચીને હારી ચૂકેલા કિવીઓ પ્લીઝ, અમદાવાદમાં રવિવારે ભારત સામેની ફાઇનલમાં જીતી જ લેજો. જો ન્યૂ ઝીલૅન્ડ નહીં જીતે તો હું મારા તરફથી ચૉકર્સનો ટૅગ તેમને લગાવી દેવાનો છું. આઇ લવ ન્યૂ ઝીલૅન્ડ, પરંતુ મને લાગે છે કે તેઓ ભારતને નહીં હરાવી શકે.'