મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વર વિસ્તારની "વાયરલ ગર્લ" તરીકે જાણીતી મોનાલિસાનો મામલો ફરી એકવાર ગરમાયો છે. આંતરધાર્મિક લગ્નને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે માનવ અધિકાર આયોગે એન્ટ્રી કરી છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે મળેલી ફરિયાદને આધારે તપાસના આદેશ આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ હસ્તક્ષેપ બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મોનાલિસાએ કેરળના ફિલ્મ કલાકાર ફરમાન સાથે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. આ લગ્નની વાત સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતી થતા જ તે રાષ્ટ્રીય સ્તરની ચર્ચાનો વિષય બની ગયો છે. ટીવી ચેનલો અને અખબારોમાં મોનાલિસા અને તેના પરિવાર વચ્ચે થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપોને કારણે આ મામલો વધુ સંવેદનશીલ બની રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને લગ્ન માટે મજબૂર કરવામાં આવી છે.
આ મામલે રાજકીય વળાંક પણ આવ્યો છે. એક ભાજપ ધારાસભ્યએ આ ઘટનાને "લવ જેહાદ" સાથે જોડીને ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે મોનાલિસાને સગીર હોવા છતાં ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તેને વિદેશ મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષકને તેનો પાસપોર્ટ રદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. વિવાદ વધતા જ તેના પર ફિલ્મ બનાવી રહેલા નિર્દેશક સનોજ મિશ્રાએ પણ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
લગભગ એક મહિનો વીતી જવા છતાં પોલીસ હજુ સુધી મોનાલિસાને તેના પરિવાર સાથે મેળવી શકી નથી. આ ગંભીરતાને જોતા માનવ અધિકાર આયોગે મધ્ય પ્રદેશ અને કેરળના મુખ્ય સચિવો તેમજ ડીજીપીને પરસ્પર સંકલન સાધીને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. ખરગોન એસપી રવિન્દ્ર વર્માએ જણાવ્યું છે કે આયોગની નોટિસ મળી છે અને તપાસ ચાલી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.