Fri Apr 17 2026

Logo

વિદ્યાવિહારમાં ગુજરાતી દંપતીને કારની અડફેટે લેનારા સગીરના બિઝનેસમૅન પિતાને જામીન

2026-03-05 17:52:01
Author: Yogesh C Patel
Article Image

‘દીકરો કાર ચલાવવા ગયો હોવાની પિતાને જાણ નહોતી’ એવી નોંધ કરી કોર્ટે જામીન મંજૂર કર્યા

મુંબઈ: વિદ્યાવિહારમાં બેફામ રીતે કાર ચલાવીને ગુજરાતી વેપારીના મોત અને તેની પત્નીને ગંભીર ઇજા પહોંચાડવા માટે કથિત રીતે જવાબદાર સગીરના બિઝનેસમૅન પિતાને સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. દીકરો કાર ચલાવવા લઈ ગયો હોવાની પિતાને જાણ નહોતી, એવી નોંધ કોર્ટે કરી હતી.

એડિશનલ સેશન્સ જજ આર. એમ. જાધવે બુધવારે બિઝનેસમૅનને 50 હજાર રૂપિયાના બૉન્ડ પર જામીન આપતાં બિલ્ડિંગના વૉચમૅનની જુબાની પર આધાર રાખ્યો હતો. પોલીસ અનુસાર અકસ્માતની ઘટના પાંચમી ફેબ્રુઆરીની રાતે વિદ્યાવિહારની સોમૈયા કૉલેજ નજીક તાનસા પાઈપલાઈન રોડ પર બની હતી.

ઘાટકોપરમાં રહેતો પ્લાયવૂડનો વેપારી ધ્રમિલ પટેલ પત્ની મીનલ સાથે સ્કૂટર પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે પુરપાટ વેગે આવેલી કારે સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કાર બિઝનેસમૅન વાલજી રાજા ભૂષણનો સગીર પુત્ર ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં પટેલ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. સારવાર માટે તેમને ઘાટકોપરની હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. અકસ્માતના દસેક દિવસ પછી ધ્રુમિલનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની મીનલ પથારીવશ હોવાનું કહેવાય છે.

આ કેસમાં તિલક નગર પોલીસે 10 ફેબ્રુઆરીએ વાલજી ભૂષણની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીએ તેના વકીલ મનીષ સિંહ મારફત કોર્ટમાં દલીલ કરી હતી કે તે અકસ્માતના સ્થળે હાજર નહોતો અને તે સમયે કાર પણ ચલાવતો નહોતો.

આરોપીએ દાવો કર્યો હતો કે અકસ્માત થયો તે દિવસે પુત્ર કાર લઈને ગયો હોવાની જાણ તેને નહોતી અને આ જીવલેણ અકસ્માત માટે તે જવાબદાર નથી. સરકારી વકીલ પી. બી. બનકરે જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે સગીર પુત્ર પાસે પ્રમાણિત લાઈસન્સ ન હોવાની જાણકારી છતાં પિતાએ તેને કાર ડ્રાઈવ કરવા દીધી હતી.

પીડિતના પરિવાર વતી મધ્યસ્થી કરનારા વકીલ રુબેન મસ્કરેન્હાસે ધ્યાન દોર્યું હતું કે સગીરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેદરકારીથી ડ્રાઈવ કરવાના સ્ટન્ટ્સની પોસ્ટ હતી. પિતાને આ વાસ્તવિકતાની જાણ હોવા છતાં દીકરાને કાર ચલાવવા દીધી. તેથી પ્રથમદર્શી તેની વિરુદ્ધ ગુનો બને છે.

વકીલે એવું પણ જણાવ્યું હતું કે કેસની પતાવટ માટે આરોપીએ 40 લાખ રૂપિયાની ઑફર કરી અને સગીરના ઈન્સ્ટાગ્રામ હિસ્ટરી સાથે ચેડાં કરવામાં આવ્યાનો દાવો કર્યો હતો. એડિશનલ સેશન્સ જજે બન્ને પક્ષને સાંભળ્યા પછી બિઝનેસમૅનની બિલ્ડિંગના વૉચમૅનના નિવેદન પર આધાર રાખ્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે ઘટનાની રાતે 10.15 વાગ્યે સગીરે વૉચમૅન પાસેથી કારની ચાવી માગી હતી. તે સમયે ચાવી વૉચમૅન પાસે હતી. તેણે કોઈ પણ સવાલ કર્યા વિના ચાવી આપી દીધી હોવાનો દાવો વૉચમૅને કર્યો હતો.
બાદમાં સગીરના પિતા નીચે આવ્યા ત્યારે પાર્કિંગ લોટમાં કાર ન હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે વૉચમૅન પાસે પૂછપરછ કરતાં તેમનો પુત્ર કાર લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રથમદર્શી રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે આરોપીને દીકરો વાહન લઈ ગયો હોવાની જાણ નહોતી. જોકે કોર્ટે વેપારીને પરવાનગી વિના મુંબઈ બહાર ન જવાની અને સાક્ષીદારોને પ્રાભવિત ન કરવાની શરતો રાખી હતી. (પીટીઆઈ)