પ્રકરણ-6
`કેટલીક વાત હસી કાઢવા માટે હોય છે, કારણ કે જીવનમાં ગંભીરતાથી લેવા જેવી બીજી ઘણી બાબતો હોય છે.'
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
રાઘવ `રકીબ' શબ્દ બોલ્યો હતો....ઉર્દૂ જબાન. રાધાની રાઘવ પરની શંકા વધુ ઘેરી બની. અને મને આ શબ્દનો અર્થ પૂછવા પાછળનો જગદીશનો ઇરાદો શું હશે...? એ કદાચ મારી નિકટ આવવાના ચક્કરમાં હોય...જગદીશની આશિકી એની આંખોમાં તરવરતી દેખાય છે, પણ રાઘવના દિમાગમાં કોઇ બીજી જ ગેમ ચાલી રહી છે. કદાચ રાઘવ જ ગોપાલેશ્વર મંદિરમાં ઘૂસેલો ત્રાસવાદી હોય... સો ટકા એને મારી સાચી ઓળખ મળી ગઇ છે. રાઘવ ત્રાસવાદી હોય તો એ એકલો નથી, અહીં કોઇ બીજું પણ છે એની મદદમાં....કોણ હશે એ....? કેટલા જણ હશે....? શું કરશે..? રાધા વ્હેંત છેટે ઊભેલા ત્રાસવાદી ઓછાયા વિશે રાતભર વિચારતી રહી. બીજે દિવસે વહેલી સવારે ચાનું કહેવાને બહાને એ કાઉન્ટર પર ગઇ.
`જય જગદીશ હરે...ઉઠો ભોર ભઈ.....ચા નહીં પીવડાવે.' રાધા બોલી કે તરત જ એ ઢાબળા સહિત ઊભો થઇને ચા લેવા ગયો. નવા નવા આશિકની આ નિશાની છે. દરમિયાન રાધા રૂમમાં પાછી ફરી. થોડીવારે દરવાજે ટકોરા પડ્યા. જગદીશે બે કપમાં ચા રેડી. બંને પીવા લાગ્યા કે તરત જ રાધા બોલી: `રાઘવને મારા વિશે કેમ જાણવું છે?'
`એ તમારા પ્રેમમાં પડી ગયો છે....એવું રાઘવે મને કહ્યું.' રાધા હસી પડી. રાઘવની અસલિયત બહાર આવી રહી છે. ઉર્દૂ જબાન અને પ્રેમનું નાટક...કોઇ કારણથી એ મારી નજીક આવવા માગે છે, પણ આમાં જગદીશની ભૂમિકા શું હશે? કદાચ એ ડબલ ગેમ રમતો હોય...રાધા વિચારમાં ડૂબી ગઇ.
`તમે કેમ હસ્યા....?' જગદીશે પૂછ્યું.
`કેટલીક વાત હસી કાઢવા માટે હોય છે, કારણ કે જીવનમાં ગંભીરતાથી લેવા જેવી બીજી ઘણી બાબતો હોય છે.' રાધા બોલી.
`હું તમારી વાતને ગંભીરતાથી લઇશ. તમે મને બેધડક કહેજો....' જગદીશે કહ્યું.
`હું તને હથેળીમાં તમાકું મસળીને ચૂટકી તો નહીં આપી શકું, પણ સાથે ચા જરૂર પીશું.'
પુરોહિત ચાવાળાએ રોજ એકવાર ચા પીવા આવતા રાઘવને પૂછ્યું: `તૂં મંદિર પૂરતું જ દૂધ વેંચવા લાવે છે...?'
`ના...બીજે પણ વેંચું છું?'
`મને પણ આપતો જાને....'
`હું તમને પૂછવાનો જ હતો....બીજે આપવાને બદલે તમને આપીશ...' રાઘવે કહ્યું.
`બીજાનું બંધ નહીં કર...જોઇએ તો મને થોડું આપજે....' પુરોહિતે કહ્યું..
`ગાયો પૂરતું દૂધ આપે છે...શુકર હૈ બોલીને એણે એક હાથ ઊંચો કર્યો.' શુકર શબ્દ સાંભળીને પુરોહિતના હાથમાંથી કડછો છટકી ગયો. માણસની બોલી બદલાતી નથી...બોલી અને શબ્દો પરથી એ કયા પ્રદેશનો કે દેશનો છે એની તરત જ ખબર પડી જાય... પુરોહિતને રાધાના શબ્દો યાદ આવી ગયા. કદાચ રાધાએ આપેલી તાલીમ કામ કરી રહી હતી.
રાધા દેવીપ્રસાદની સામે બેસીને ગોપાલાનું ચિત્ર દોરી રહી હતી.
`તૂં ચિત્રો સારાં દોરે છે.' દેવીપ્રસાદે કહ્યું.
`દિલ્હીની હઝારીમલ ફાઇન આર્ટ્સમાં કોર્સ કર્યો છે અને મને શોખ પણ બહુ છે.' રાધા બોલી.
`અહીં કોઇ ખાસ ચિત્ર દોર્યું?' દેવીપ્રસાદે ચોક્કસ ઇરાદા સાથે પૂછ્યું.
`એક છે.....એનું આછુંપાતળું ચિત્ર મગજમાં બેસી રહ્યું છે....હજી રફ સ્કેચ લેવલ પર ચાલે છે.....લાઇન ડ્રોઇંગનું કામ પતે પછી રંગ પૂરવા છે. લાઇન ડ્રોઇંગ જેટલું સાં, રંગકામ એટલું જ સુંદર.' રાધાની નજર કેનવાસ પર હતી અને વાત દેવીપ્રસાદજી સાથે કરી રહી હતી. રાધાના મનમાં દોરાઇ રહેલું ચિત્ર દેવીપ્રસાદજી સ્પષ્ટરૂપે જોઇ શક્યા નહીં, પણ રાધા ચિત્ર પૂં કરશે એવી એમને ખાતરી થઇ ગઇ.
`જગદીશ કેવો માણસ છે?' રાધાએ પૂછ્યું.
`ભોળ્યો છે. બેજલમેડ અને ગોપાલેશ્વરથી આગળની ભૂગોળ એણે જોઇ નથી.'
`મંદિર પરિસરમાં દૂધ વેંચતા રાઘવને ઓળખો છો....?'
`પહેલીવાર નામ સાંભળ્યું.' દેવીપ્રસાદજી બોલ્યા. દેવીપ્રસાદજી ગામના કોઇને ન ઓળખે એવું બને નહીં.....રાઘવ પરની શંકા પર દેવીપ્રસાદે મહોર મારી દીધી.
`પણ જગદીશ એને ઓળખે છે અને રાઘવે મારા વિશે ઘણું જાણી લીધું છે.' રાધાએ કેનવાસ પરથી નજર હટાવી.
`હું રફ સ્કેચ તૈયાર કરી લઉં પછી તને બતાવું.' દેવીપ્રસાદે કહ્યું.
`નહીં, તમે નહીં દોરતા....મારો હાથ બેસી ગયો છે...હું જ એ ચિત્ર પૂં કરીશ.'
*****
સાધુએ મંદિરની પાછળના ભાગે ઝૂંપડી બાંધી લીધી હતી. ગોપાલેશ્વરના મંદિરે જતા-આવતા ભાવિકોમાંથી ભાગ્યે જ કોઇ શંકરના મંદિરે દર્શન કરવા રોકાતું. કોઇ શંકરની ડેરી જોઇને આવી ચડે ને સાધુને પૈસા આપે, તો એ સ્વીકારતો નહીં. એમ કહીને કે સાધુ પૈસે કા ક્યા કરેગા...મંદિર કા પ્રસાદ ખિલા દો. સાધુ ત્યાં પડેલી દાનપેટી બતાવીને કહેતો: `ઇસ મેં લોગ પૈસે ડાલતે હૈ....મગર મેરે કામ કા નહીં. અલંખ નિરંજન.'
રણછોડ સવારના દર્શન કરીને પુરોહિતની ચાની ટપરી પર આવ્યો. જરા ઉખડેલો હતો. પુરોહિતે ચાની કુલ્હડ આપતા પૂછ્યું: `અરે છોરા કહાં હૈ તૂ. દિખતા નહીં આજકલ.....'
`બાત મત પૂછો કાકા...પૂરા દિન કામ...ગોપાલા કે પાસ હું પર દર્શન કો ટાઇમ નહીં મિલતા...' રણછોડ મંદિરની ધજા તરફ નજર કરતાં બોલ્યો.
`ભન્નાલાલજી કો બોલો એક દુસરા લડકા રખ લે.' પુરોહિતે કહ્યું.
`રખા હૈ એક...પતા નહીં ઉસને બાબુજી પે ક્યા જાદુ કિયા હૈ.....દૂધ બેચને કા કામ ઉસકો દિયા.'
`કિસ કો રખ લિયા...કૌન આતા હૈ દૂધ બેચને?' પુરોહિતે પૂછ્યું.
`રાઘવ.' નામ સાંભળીને પુરોહિત ચોંકી ઉઠ્યો, પણ ચહેરા પર આવવા ન દીધું. રાધાની તાલીમ કહે છે કે કોઇપણ વાત પર ઝડપથી પ્રતિક્રિયા ન આપવી. ચૂપ રહેવું. તમારી ચૂપકિદી જોઇને સામેવાળો માણસ પોતાની વાત આગળ ચલાવશે જ. એને પૂરેપૂરો ખુલવા દો...ઉઘડવા દો....આ સાઇકોલોજી છે.
`મન્ને તો યે માણસ બરાબર ના લાગે....બાબુજી કો બોલ્યો, પણ બાબુજી મારી વાત સુણે તબના....'
`સામેનો માણસ કોઇપણ હોવે બાબુજી કો સારો જ લાગે....' પુરોહિતે થોડા શબ્દો બોલીને ઢીલ આપી.
`રાઘવ ગૌમાતા કે સાથે તબેલા બેચબાચ કે નીકલ જાવેગો પતા ભી નહીં ચલેગા બાબુજી કો..રાઘવ મન્ને બડો હી હોશિયાર લાગે....' રણછોડ રાઘવ વિશે જે વિચારી રહ્યો હતો, પુરોહિત એનાથી બિલકુલ ઉલ્ટું રાઘવ વિશે વિચારતો હતો. મામલો ગાયો અને ગમાણ પૂરતો સીમિત નથી. પુરોહિત આ વાત રણછોડને કેમ કરીને સમજાવે. જોકે, પુરોહિતની ભૂમિકા કોઇને સમજાવવાની નહતી. એનું કામ માણસનો પ્રોફાઇલ તેયાર કરીને રાધાને આપવાનું હતું.
`રાઘવ આજ સુબહ મેરો બાઇક લે કર ગયો....બીમાર ચાચા કો હૈ દેખને...એટલે મને દર્શન કો લાભ મલ્યો...'
`રણછોડ, તું આ રણ છોડીને જતો નહીં. ગોપાલા પર ભરોસો રાખ એ જ તને દર્શનનો પૂરો લાભ આપશે.' પુરોહિતે આપેલો સંકેત રણછોડને પલ્લે ન પડ્યો, પણ એના ચહેરા પર સંતોષની ઝલક ઊભરી આવી.
રાઘવ વહેલી સવારે બાઇક લઇને નીકળ્યો.....એણે રસ્તામાં આવેલા શંકરના મંદિરે બાઇક ઊભું રાખ્યું.
ખોડેલા ત્રિશૂલ અને ધૂણી ધખાવીને બેઠેલા સાધુ પર નજર કરી. ચૂપચાપ દર્શન કરીને...બાઇકને કિક મારીને ઊપડી
ગયો. આંખ મીંચીને બેઠેલા સાધુએ એક આંખ ખોલીને એને જોઇ લીધો.
રણછોડ ગૌશાળાએ પહોંચ્યો એ પહેલાં રાઘવ આવી ગયો હતો. રણછોડે જોયું કે ગમાણ સાફ હતી....ગાયોને ચરવા માટે નીરણ આપી દેવાઇ હતી. હવાડામાં પાણી ભરી દેવાયું હતું.
`રણછોડે, ઓય રણછોડે....' રાઘવ ક્યારેક એને રણછોડે કહીને બોલાવતો....' તેરી ગડ્ડી મેં પેટ્રોલ ડલવા દિયો હૈ.
બાવડે, અબ રોના નહીં.' રણછોડે મોઢું બગાડ્યું.
`બાબુજી, સબ કામ હો ગયા...'
`વો તો ઠીક હૈ... તેરે ચાચા કી તબિયત કેસી હૈ અબ.....?' બાબુજીએ પૂછ્યું.
`ઠીક હૈ....બસ, ઉસકો દેખના થા....દેખ કર આ ગયા....' રાઘવે કહ્યું.
*****
રાધાના પ્રેમી ડો. અજય બંસલે રાતે ડુપ્લીકેટ ચાવીથી રાધાના ફ્લેટનો દરવાજો ખોલ્યો. સ્વિચ ઓન ન કરી....નાની ટોર્ચના અજવાળે ઘરની તલાશી લેવા માંડ્યો. લેપટોપ ઓન કરીને બેચાર અલગ અલગ પાસવર્ડ નાખી જોયા, પણ ખુલ્યું નહીં. ટેબલ પર હાથ પછાડીને ઊભો થયો. ટેબલના ખાનાં ફંફોસ્યા. બુકસેલ્ફમાં ગોઠવેલાં પુસ્તકોનાં પાનાં ઝડપથી ફેરવી જોયા....બુક્સ આઘીપાછી કરી જોઇ. કબાટ ખોલ્યો. કપડાં ખોળી નાખ્યા...બધું ઉપરતળે કરી નાખ્યું. લોકરનું ખાનું ખોલ્યું. મોંમાં ભરાવેલી ટચૂકડી ટોર્ચનો પ્રકાશ લોકરના કીબોર્ડ પર પડ્યો. આંગળીઓના ટાચકા ફોડીને અડસટે નંબર પ્રેસ કરવા લાગ્યો. લોકર ખુલ્યું નહીં. એના ફ્રસ્ટે્રશનથી આખો કબાટ હચમચી ઉઠ્યો.
અચાનક અજયના મોબાઇલની રીંગ વાગી. એણે સ્ક્રીન પર નામ વાંચ્યું. એનાં કપાળ પર પરસેવો બાઝી ગયો. એના હાથ ધ્રૂજવા માંડ્યા.
હેલો, ગળે અટકેલો અવાજ માંડ બહાર નીકળ્યો.
મિલા કૂછ......પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઇએસઆઇના એક અફસરનો અવાજ અંધારામાં તાડૂક્યો.
નહીં જનાબ, તલાશ જારી હૈ....ડો. અજય બંસલ જખ્મી શિયાળની જેમ, જખમ ચાટતો બેસી ગયો. (ક્રમશ:)