થાણે: મેટ્રિમોનિયલ સાઈટ પર એનઆરઆઈ હોવાનો દાવો કરનારા યુવાને થાણે જિલ્લાના મુંબ્રામાં રહેતી યુવતીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
29 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે મુંબ્રા પોલીસે 26 માર્ચે અદનાન અહમદ અને અજાણી મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કથિત છેતરપિંડી 27 જાન્યુઆરીથી 13 માર્ચ દરમિયાન થઈ હતી. ફરિયાદીએ એક લગ્નસંબંધી વેબસાઈટ પર અહમદનો પ્રોફાઈલ જોયો હતો. અહમદે દાવો કર્યો હતો કે તે યુકેમાં રહે છે. યુવતીએ અહમદ સાથે વાતચીત શરૂ કર્યા પછી બન્નેએ લગ્ન અંગે ચર્ચા કરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે 27 જાન્યુઆરીએ આરોપીએ યુવતીનો સંપર્ક સાધ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ભારત આવ્યો છે, પણ દિલ્હી ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ તેને રોકી સોનાના દાગીના અને મોટી સંખ્યામાં વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ વસ્તુઓ છોડાવવા માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું આરોપીએ કહ્યું હતું.
પછી આરોપીએ અલગ અલગ કારણ બતાવી ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં 6.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. રૂપિયા મોકલ્યા પછી આરોપીએ ફરિયાદીના કૉલ્સ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. વળી, મેસેજના પણ જવાબ આપતો નહોતો. પરિણામે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં યુવતીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ બૅન્ક ટ્રાન્ઝેક્શનને આધારે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)