Fri Apr 17 2026

Logo

પંજાબમાં ASI અને હોમગાર્ડની હત્યા, આતંકી ષડયંત્ર કે ગેંગસ્ટરનો હાથ? જાણો શું છે મામલો...

2026-02-22 15:46:10
Author: tejas rajpara
Article Image

નવી દિલ્હી: પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા દોરાંગલા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામ આદિયામાં આવેલી પોલીસ ચોકી પર તૈનાત બે જવાનોના ગોળી વાગવાથી શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે. રાતના સમયે અંદાજે 1 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંજાબ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા જવાનોની ઓળખ એએસઆઈ ગુરનામ સિંહ અને હોમગાર્ડ અશોક કુમાર તરીકે થઈ છે. આ બંને જવાનો ચોકીના એક રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી તેમના સર્વિસ હથિયારો મળી આવ્યા છે. જોકે, ગોળી કોણે ચલાવી અને આ હત્યા છે કે આત્મહત્યા અથવા કોઈ આકસ્મિક દુર્ઘટના, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી નમૂના એકત્રિત કર્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગુરદાસપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગુરદાસપુરના એસએસપી આદિત્ય શર્મા અને બીએસએઉના જીઆઈજી જે.કે.વિરદીએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સરહદી વિસ્તાર હોવાને કારણએ પોલસ આ મામલાને માત્ર સામાન્ય ગુના તરીકે નથી જોઈ રહી. એસએસપીએ જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ કોઈ ગેંગસ્ટર કે આતંકવાદી સંગઠનનો હાથ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તપાસ ટીમો જવાનોના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય.

આ ઘટનાને પગલે પંજાબમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વરિંગે આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કરતા રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સરહદી રાજ્યમાં પોલીસ જવાનો જ અસુરક્ષિત હોવાના આક્ષેપ સાથે વિપક્ષે આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.