Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં આજથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી, ઉત્તર ભારતમાં હવામાનનો યુ ટર્ન

2026-03-18 08:41:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શરૂ થતાં વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વરસાદ તથા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પશ્વિમ ભારતમાં કેટલાક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 

ગુજરાતમાં આજે ક્યાં છેવરસાદની આગાહી

ગુજરાતમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 અને 20 માર્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. રાજયમાં મહતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા, ભુજ,અમરેલી, સુરેન્દ્રનગરમાં 37 - 37 ડિગ્રી તાપમાન અને અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિલ્હીમાં યલો એલર્ટ

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સવારે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાંજે કે રાતે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 20-30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન 32-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17-19 ડિગ્રી રહેવાનું અનુમાન છે.  

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. 18 માર્ચે કેટલાક સ્થાન પર ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલા સ્થાનો પર છૂટોછવાયો વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 38  થી 40 ડિગ્રીની વચ્ચે રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવાને કારણે આવું થઈ રહ્યું છે. 19 થી 21 માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. આજે રાજ્યના કોઈપણ વિસ્તારમાં વરસાદ કે છાંટા પડવાની કોઈ શક્યતા નથી.