થાણે: ભિવંડીમાં હિંદુવાદી સંગઠનોના કાર્યકરો દ્વારા લગ્ન અટકાવવામાં આવ્યા પછી ગર્લફ્રેન્ડે મુસ્લિમ યુવક વિરુદ્ધ બ્લૅકમેઈલિંગ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુહાસ હેમાડેએ જણાવ્યું હતું કે છોકરીએ નોંધાવેલી ફરિયાદને આધારે અરમાન શેખ (20) વિરુદ્ધ બ્લૅકમેઈલિંગ અને દુષ્કર્મ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. લગ્ન માટે બ્લૅકમેઈલ અને દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ડોમ્બિવલી પોલીસના જણાવ્યા મુજબ ટેલરિંગનું કામ કરતો આરોપી ભિવંડીના શાંતિનગરમાં રહે છે, જ્યારે છોકરી ડોમ્બિવલીની કૉલેજમાં બીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બન્ને સગીર વયનાં હતાં ત્યારે તેમની મિત્રતા સોશ્યલ મીડિયા પર થઈ હતી. મિત્રતા પછી બન્ને વચ્ચે અફૅર થયું હતું.
છઠ્ઠી માર્ચે આરોપી સાથે મુસ્લિમ વિધિ પ્રમાણે નિકાહ કરવા છોકરી ભિવંડી પહોંચી હતી. આરોપીએ પણ કાઝી અને સાક્ષીઓ સહિતની બધી વ્યવસ્થા કરી રાખી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.
જોકે હિંદુવાદી સંગઠનના કાર્યકરો નિકાહના સ્થળે પહોંચી ગયા હતા અને આંતરજ્ઞાતીય લગ્ન સામે વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે ભારે ધમાચકડી મચી હતી.
આ મામલો સૌપ્રથમ ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશને ગયો હતો. જોકે છોકરી ડોમ્બિવલીમાં રહેતી હોવાથી કેસ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં છોકરીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ પહેલાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પછી તે 18 વર્ષની થતાં જ લગ્ન માટે બળજબરીનો પ્રયાસ કર્યો હતો. છોકરી સગીર વયની હતી ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાથી આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)