Fri Apr 17 2026

Logo

એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કૉલેજ પરિસરમાં સગીરા પર કોયતો વીંઝ્યો

2026-03-26 17:28:58
Author: Yogesh C Patel
Article Image

મુલુંડમાં બનેલી આ ઘટનામાં સગીરા તો બચી ગઈ, પણ મધ્યસ્થી કરનારો મિત્ર ઘવાયો 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુલુંડમાં બનેલી આંચકાજનક ઘટનામાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કૉલેજ પરિસરમાં જ સગીરા પર કોયતાથી હુમલો કર્યો હતો. જોકે મિત્રની મધ્યસ્થીને કારણે સગીરા તો બચી ગઈ, પણ મિત્ર ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે ઘટના બાદ ફરાર આરોપીને 24 કલાકમાં જ પકડી પાડ્યો હતો.

મુલુંડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આશિષ ગૌતમ બનસોડે (21) તરીકે થઈ હતી. તેની પાસેથી ગુનામાં વપરાયેલો કોયતો હસ્તગત કરાયો હતો. આરોપી વિરુદ્ધ બદલાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી બનસોડે અને 16 વર્ષની સગીરા બદલાપુરમાં એક જ વિસ્તારના રહેવાસી હોવાથી એકબીજાને ઓળખે છે. તેમની વચ્ચે અગાઉ વાતચીત થતી હતી, જેને પગલે આરોપી એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો.

કહેવાય છે કે તાજેતરમાં કોઈ વાતે વાંધો પડતાં સગીરાએ આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સગીરા ટાળતી હોવાનું જોઈ આરોપી ગિન્નાયો હતો. બુધવારે સવારે સગીરા મુલુંડની કૉલેજમાં પહોંચી ત્યારે આરોપી પણ તેની પાછળ પાછળ આવ્યો હતો..

પોલીસ ફરિયાદ અનુસાર સગીરા કૉલેજમાં તેની સાથે ભણતા મિત્ર સાથે વાત કરતી ઊભી હતી ત્યારે પાછળથી આવેલા આરોપીએ સગીરાના ગળા ફરતે હાથ ભેરવ્યો હતો. પછી ‘તું મારી સાથે વાત શા માટે નથી કરતી’ એવું કહીને કોયતાથી ધમકાવવા લાગ્યો હતો. સગીરા કંઈ સમજે તે પહેલાં આરોપીએ સગીરા તરફ કોયતો વીંઝ્યો હતો. જોકે સગીરાનો મિત્ર વચ્ચે પડતાં તેની ગરદન પર કોયતાનો ઘા થયો હતો.

કોયતાથી હુમલો થતાં જ વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ મચી હતી, જેને પગલે આરોપી ફરાર થઈ ગયો હતો. જખમી વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં અન્ય વિદ્યાર્થીઓ હૉસ્પિટલે લઈ ગયા હતા. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન બનાવની જાણ થતાં મુલુંડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સગીરાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 24 કલાકમાં જ આરોપી બનસોડેને પકડી પાડ્યો હતો.