આપણામાંથી મોટાભાગના લોકોને ક્યારેકને ક્યારેક એક્સપિરીયન્સ થયો હશે કે રસ્તા પર કોઈ જગ્યાએ કેળાની છાલ પડી હોય અને એના પર પગ પડતાં જ લપસી જવાયું હોય. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આવું કેમ? કેમ કેળાની છાલ પરથી લપસી જવાય છે અને બીજા કોઈ ફ્રુટની છાલ પર પગ પડતાં લપસવાની શક્યતા નહીંવત હોય છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આ કારણ વિશે જ આપણે સ્ટોરીમાં આપણે આ કારણ વિશે વાત કરીશું...
કેળાની છાલ પર પગ પડતાં જ કેમ લપસી જવાય છે, એની પાછળ માત્ર સામાન્ય સમજણ જ નહીં પણ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે અને આવું અમે નહીં પણ હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. તાજેતરમાં રિસર્ચમાં સામે આવેલી માહિતી અનુસાર કેળાની છાલમાં રહેલી એક ખાસ પ્રકારની જેલ અને ફિઝિક્સના નિયમો તેને લપસણી બનાવે છે.
કેળાની છાલ પર પગ પડતા જ લપસી જવાનું મુખ્ય કારણ તેની અંદર રહેલું પોલીસેકરાઈડ જેલ (Polysaccharide Gel) છે. કેળાની છાલની બહારની સપાટી પર આ જેલથી ભરેલી નાની-નાની થેલીઓ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનો પગ આ છાલ પર પડે છે, ત્યારે દબાણને કારણે આ થેલીઓ ફાટી જાય છે અને તેમાંથી પાણી, શુગર અને પ્રોટીનનું બનેલું ઘટ્ટ જેલ બહાર ફેલાઈ જાય છે. આ જેલ છાલ અને જમીન વચ્ચે એક અત્યંત ચીકણું પડ બનાવી દે છે, જેના કારણે ઘર્ષણ (Friction) ઓલમોસ્ટ ઝીરો જેવું થઈ જાય છે.
જાપાનના સાઈન્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર કેળાની છાલનો ઘર્ષણ ગુણાંક (Coefficient of Friction) માત્ર 0.07 હોય છે. જેની સરખામણીએ સફરજનની છાલનો ગુણાંક 0.1 હોય છે. કેળાની છાલમાં જોવા મળતી આ જેલ કે જે અન્ય ફ્રૂટ્સ જેમ કે સફરજન, સંતરામાં જોવા મળતી નથી. બસ આ જ કારણ છે કેળાની છાલ પર પગ પડતાં જ લપસી જવાની સંભાવના સૌથી વધારે રહેલી હોય છે. આ અનોખી શોધ માટે સંશોધકોને વર્ષ ૨૦૧૪માં 'આઈજી નોબેલ પ્રાઈઝ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાત કરીએ બેલેન્સ ખોઈ બેસવા પાછળની આખી ગણતરી વિશે તો હ્યુમન બોડી ત્યાં સુધી જ બેલેન્સ જાળવી શકે છે જ્યાં સુધી તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર (Center of Gravity) પગની પાનીમાં રહે છે. જ્યારે પગ કેળાની છાલ પર પડે છે અને અચાનક આગળની તરફ લપસે છે, ત્યારે શરીરનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર પાનીથી ખસે છે અને બોડી આટલી ઝડપથી પાછું બેલેન્સ નથી જાળવી શકતી જેને કારણે વ્યક્તિ જોરથી પછડાય છે.